Western Times News

Gujarati News

નડિયાદમાં સરદાર પ્રતિમા પાસે ૧૪ ફૂટ પહોળા કાંસની સફાઈ હાથ ધરાશે

વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ ઝડપી થશે

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં ગયા સપ્તાહે સરદારની પ્રતિમા પાસે આવેલ જર્જરિત સરદાર ભૂવનની ૪૬ દુકાનોને ઉતારી પાડવામાં આવી હતી. એ બાદ આ દુકાનોનો કાટમાળ હટાવી આજે સોમવારે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે અને વાહનવ્યવહાર પૂર્વવત કરાયો છે.

ધારાસભ્ય પંકજ દેસાઈ અને ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદડે સ્થળની મુલાકાત લીધી હતી. અગાઉ કાંસ પર બ્લોક બનાવ્યા હતા ત્યાં મજૂરો મારફતે વાંસ નાખીને ચકાસણી કરતા જાણવા મળ્યું કે કાંસમાં પાણી એક-દોઢ ફુટમાં જ જઈ રહ્યું છે. માટે હવે મહાનગરપાલિકા આ કાંસને ખુલ્લો કરી સફાઈ કરવામાં આવશે તેમ ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું છે.

નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વ ભાગનો મુખ્ય વરસાદી પાણીનો નિકાલનો કાંસ શહેરના મધ્યભાગથી પસાર થાય છે. પારસ સર્કલ, સંતરામ મંદિર પાછળ થઈને બસ સ્ટેન્ડ તરફ અને ત્યાંથી સરદારની પ્રતિમા થઈને આગળ માહિતી ભવન સુધી જાય છે. સરદારની પ્રતિમા પાસે કાંસ પર વર્ષ ૧૯૬૧-૬૨માં દુકાન પાડવામાં આવી હતી.

જેને સરદાર ભુવન કોમ્પલેક્ષ નામ આપવામાં આવ્યું હતું. જોકે છેલ્લા ઘણા વર્ષોથી આ કાંસ સફાઈ ન થવાથી ચોકઅપ થઈ જતાં વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો નહોતો. જેના કારણે નગરના પૂર્વ ભાગમાં વરસાદી પાણીનો ભરાવો થતો અથવા તો ધીમી ધારે વરસાદી પાણીનો નિકાલ થતો હતો.

આ ઉપરાંત સરદાર ભૂવન કોમ્પલેક્ષ પણ જર્જરિત હાલતમાં હોવાથી મોટી જાનહાનિ થાય તેવી શક્યતા જોતા નડિયાદ મહાનગરપાલિકાએ ગયા સપ્તાહે આ કોમ્પલેક્ષને ઉતારી દીધું હતું. આ બાદ કાટમાળને હટાવી આજે સરદાર પ્રતિમા પાસેનો રોડ વાહનવ્યવહાર માટે પૂર્વવત કર્યો છે.

બીજી તરફ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદડ અને ધારાસભ્ય પંકજ દેસાઈએ આજે સોમવારે સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં અગાઉ પાડેલા બ્લોકમા મજુરો મારફતે વાંસ નાખી સમગ્ર કાંસની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં ૧૪ ફુટ પહોળો અને ૮ ફુટ ઊંડા કાંસમાં માત્ર ઉપલા લેવલથી એટલે કે એક-દોઢ ફુટ ઉપરથી જ પાણી પસાર થાય છે બાકી તમામ જગ્યાઓ ચોકઅપ થયેલુ જાણાવા મળ્યું છે. તેમ ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, હવે આ જગ્યા પરનો કાંસ મહાનગરપાલિકા દ્વારા હાલના તબક્કે સ્લેબ તોડી સફાઈ કરવામાં આવશે. આ કાંસ પૂર્વ વિસ્તારનો મુખ્ય કાંસ છે અહીંયા સફાઈ કરાયા બાદ જ આગળ ક્યાં ચોકઅપ છે તે માલુમ પડશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, અહીં નવી સ્લેબ ડ્રેનજ ૬૮ કરોડના ખર્ચે મંજૂર પણ થઈ છે. આ કાંસ શહેરનો મુખ્ય કાંસ છે અને સમગ્ર શહેરનું પાણી બહાર લઈ જતો કાંસ છે જે આગળ કમળા થઈને શેઢી નદીમાં મળે છે. અહીંયા સરદારની પ્રતિમા પાસે કોમ્પલેક્ષની નીચે કાંસ પર પાણી અટકતા આ કાંસ પર અગાઉ કોર્પોરેશન દ્વારા કોમ્પલેક્ષની દુકાનોમાં બ્લોક બનાવી ભારે મશીનરીનો ઉપયોગ કરી દુકાનોને નુકશાન ન થાય તે રીતે કાંસ સફાઈ કરવાનું અહીયા આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે તે સમયે સફાઈમાં જોઈએ તેવી સફળતા મળી નહતી. આબાદ ટેકનીકલ ટીમોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ કોમ્પ્લેક્ષ નીચેનો સમગ્ર કાંસ ચોકઅપ છે. જેના કારણે સમગ્ર શહેરમાં એટલે કે દેસાઈ વગો, જુના માખણપુરા, વીકેવી રોડ, રાહુલ હોસ્પિટલ રોડ, સંતરામ રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હતા અને ધીમીધારે નીકાલ થતો હતો.

આ વિસ્તારોમાં હોસ્પિટલો પણ આવેલી હોવાથી દર્દીઓ અને નગરજનો પણ ચોમાસાની સિઝનમાં ભારે હાલાકી ભોગવતા હતા. જોકે હવે આ કાંસ પરની જર્જરિત દુકાનો દુર કરી દીધી છે અને હવે કાંસના સ્લેબ તોડી સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.