નિવૃત્તિ પૂર્વે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ગોધરાની મુલાકાતે કેમ ગયા?
(પ્રતિનિધિ) ગોધરા, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નિવૃત્તિ પૂર્વે પોતાની કારકિર્દીના પ્રારંભિક પોસ્ટિંગ સ્થળ ગોધરા શહેરની સ્મરણસભર મુલાકાત લીધી હતી. તેઓ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પહોંચતાં ગોધરા સ્થિત એસ.પી. કચેરીએ તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય પોલીસ વડાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિકાસ સહાયે ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ વર્ષ ૧૯૯૧માં ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. લાંબા સમય બાદ ફરી ગોધરા આવતા આ મુલાકાત તેમના માટે ભાવનાત્મક અને યાદગાર બની રહી હતી.
રાજ્ય પોલીસ વડાની આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઇજી, પંચમહાલ જિલ્લાના પોલીસવડા, દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસવડા તેમજ પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ દરમિયાન વિકાસ સહાયે તમામ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ, પોલીસ કામગીરીની સમીક્ષા, આવનારા પડકારો તેમજ જનસુરક્ષા વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વિકાસ સહાયે પોતાના લાંબા અનુભવના આધારે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ દળની કાર્યક્ષમતા તથા શિસ્તની પ્રશંસા કરી હતી.
નિવૃત્તિ પૂર્વે પોતાની કારકિર્દીના પ્રારંભિક સ્થળની મુલાકાત લેતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગોધરા અને પંચમહાલ જિલ્લાના વિકાસમાં પોલીસ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકાને લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમની આ મુલાકાતથી પંચમહાલ પોલીસ વિભાગમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.
