11 એકરમાં ફેલાયેલા “સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન” મહિલાઓને આજીવિકા મેળવવામાં મદદરૂપ થશે
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે ધરમપુરના આસુરામાં શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેનલ્સ ફોર વિમેન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું
(પ્રતિનિધિ) ધરમપુર, દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના વરદ હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા આસુરા ખાતે સંચાલિત શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેનલ્સ ફોર વિમેન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેશના રક્ષા મંત્રીશ્રી રાજનાથસિંહે શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમના રાજ સભાગૃહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌને સંબોધિત કરતા જણાવ્યું કે, આ પવિત્ર તીર્થ સ્થળનું વાઈબ્રેશન આધ્યાત્મિક અને સ્પિરિચ્યુલ છે.
આ આશ્રમ હજારો વર્ષ જૂની પરંપરાથી ચાલી આવ્યો છે. અહીં સુખદ આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. નવા યુગ માટેની આધ્યાત્મિકતાની નીવ આ આશ્રમે મૂકી છે. શ્રીમદ રાજચંદ્રજી દ્વારા લખાયેલું આત્મ સિદ્ધિ શાસ્ત્ર સમગ્ર વિશ્વને માર્ગદર્શિત કરે છે.
૧૧ એકરમાં ફેલાયેલા સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન અંગે રક્ષામંત્રીશ્રી એ જણાવ્યું કે, અહીં માતા, બહેન, દીકરીઓમાં સ્કિલ ડેવલપ થશે અને આજીવિકા મેળવવામાં મદદરૂપ થશે. અહીં મહિલાઓને આર્થિક સાથે આધ્યાત્મિક રીતે સક્ષમ બનવવામાં આવશે. અહીં બહેનોની સ્કિલ ડેવલપ કરવા માટે એઆઈ ટેકનોલોજીનું પણ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનું જાણીને આશ્ચર્ય થયું છે.
તેનાથી માતા- બહેનોને લાભ થશે. આ સેન્ટરથી મહિલાઓ આત્મનિર્ભર બનશે સાથે આધ્યાત્મિક ચિંતનનો અવસર પ્રાપ્ત થશે. આ સેન્ટર ગ્રામીણ મહિલાઓ દ્વારા સંચાલિત હશે જે વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળશે. આ મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
જે મહિલાઓને આર્થિક સાથે સામાજિક રીતે પણ સશક્ત બનાવશે. જેનાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને બળ મળશે. વોકલ ફોર લોકલને પ્રોત્સાહન મળશે. જે માટે રાકેશજીનું અભિવાદન કરું છું. સમાજ સેવા અને આધ્યાત્મિક ક્ષેત્રે તેમનું કાર્ય અભૂતપૂર્વ છે. આધ્યાત્મિકતાથી માત્ર આત્મજ્ઞાન નથી મળતું પણ સમાજની સેવા કરવાની પ્રેરણા મળે છે.
વધુમાં સંરક્ષણ મંત્રીશ્રીએ મન મોટું રાખવાની સલાહ આપી જણાવ્યું કે, મન મોટું હોવું એ આધ્યાત્મિકતા છે. નાના મનનો માણસ ક્યારેય આધ્યાત્મિક બની શકતો નથી. હું વિશ્વાસ સાથે કહું છું કે, જે વ્યક્તિનું મન મોટું થતું જશે તે તેટલી જ આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરતો જશે. જીવનમાં ઘમંડ ક્યારેય ન રાખવો જોઈએ તો પરમાનંદની પ્રાપ્તિ થશે.
શ્રીમદ રાજચંદ્ર મિશનના ઉપપ્રમુખ આત્માર્પિત નેમીજી એ પરિયોજના પાછળના વિઝનને સમજાવ્યુ હતું.આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, મહારાષ્ટ્ર સરકારમાં કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા,લોકસભાના દંડક અને સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ અને શાહ હેપીનેસ ફાઉંડેશનના ચીફ ગિવિંગ ઓફિસર શ્રી મનુભાઈ શાહ અને શ્રીમતી રીકાબેન શાહ તથા મોટા પ્રમાણમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સહિત માહિતી ખાતાના અધિકારીઓ અધિકારીઓ રહ્યા હતા.
