Western Times News

Gujarati News

મિત્રએ જ મિત્રની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી- પોલીસે 13 દિવસમાં ભેદ ઉકેલ્યો

AI Image

બનાવના દિવસથી જ અશોક ગોહીલ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હોવાથી પોલીસની શંકા દ્રઢ બની હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે અશોક ગોહીલને શોધી કાઢી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી.

ડાકોરઃ સમલૈંગિક સંબંધોમાં થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું ખુલ્યું

(પ્રતિનિધિ) નડિયાદ, ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મહીસાગર નદીના પટમાંથી ગત તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ખેડા- એલ.સી.બી. અને ડાકોર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મિત્રએ જ સમલૈંગિક સંબંધોની તકરારમાં મિત્રની પથ્થર મારી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના અકલાચા ગામથી ઈટવાડ જવાના રસ્તા પાસે મહીસાગર નદીના પટમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયાને બાતમી મળી હતી કે મૃતકનું નામ ઉમેશ ઉર્ફે વિનીયો નટવરભાઇ પરમાર (રહે. ચાંગોદર, તા. સાણંદ) છે. પોલીસે તાત્કાલિક મૃતકના પરિવારનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે

ઉમેશ ૧૬ તારીખે ડાકોર પાસે કોઈ ગામમાં મિત્રના લગ્નમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, જે બાદ તે પરત ફર્યો નહોતો પોલીસે મૃતકના મિત્રો અને સગા-સંબંધીઓની કડક પૂછપરછ હાથ ધરતા વિગતો સામે આવી હતી કે ઉમેશ તેના ખાસ મિત્ર અશોક મોહન ગોહીલ (રહે. મેરાકુવા, તા. સાવલી, જી. વડોદરા) સાથે તેના વાહન પર નીકળ્યો હતો.

બનાવના દિવસથી જ અશોક ગોહીલ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હોવાથી પોલીસની શંકા દ્રઢ બની હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે અશોક ગોહીલને શોધી કાઢી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા બાદ આરોપી અશોક ભાંગી પડ્‌યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી.

આરોપીની કબૂલાત મુજબ, ૧૬ ડિસેમ્બરના રોજ અશોક અને ઉમેશ બંને ડાકોર પાસે અકલાચા ગામ નજીક મહીસાગર નદીમાં નાહવા અને ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સમલૈંગિક સંબંધો બાબતે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી.

આ તકરારમાં ઉશ્કેરાઈ જઈને અશોક ગોહીલે નજીકમાં પડેલા પથ્થરો વડે ઉમેશના માથા તેમજ શરીરના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાઓના કારણે ઉમેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીએ લાશને નદીના પાણીમાં ધક્કો મારી દીધો હતો અને પોતે ત્યાંથી નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.