Western Times News

Gujarati News

હાલોલના ધારાસભ્યની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમંણૂક

File Photo

હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર (દાદા) તથા ભરતભાઈ પંડ્યાને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી મળી

(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હાલોલના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના અગ્રણી નેતા જયદ્રથસિંહજી પરમારની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સત્તાવાર જાહેરાત થતા જ પંચમહાલ સહિત આસપાસના વિસ્તારોમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.

જયદ્રથસિંહજી પરમાર અગાઉ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. સંગઠન અને પ્રશાસનિક ક્ષેત્રે તેમને વિશાળ અનુભવ છે. પક્ષના સૂત્રો મુજબ, તેમના અનુભવ, કાર્યક્ષમતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ભાજપના રાજ્ય નેતૃત્વ દ્વારા તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

નિયુક્તિની જાહેરાત બાદ હાલોલ ખાતે સ્થાનિક કાર્યકરો, આગેવાનો અને સમર્થકો દ્વારા જયદ્રથસિંહજી પરમારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોએ તેમની નિમણૂકને પંચમહાલ જિલ્લા માટે ગૌરવરૂપ ગણાવી હતી.

પોતાની નવી જવાબદારી અંગે પ્રતિભાવ આપતા નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું કે પ્રદેશ કક્ષાએ સોંપવામાં આવેલી જવાબદારી તેઓ સહર્ષ સ્વીકારે છે. તેમણે પાર્ટીના રાજ્ય અને રાષ્ટ્રીય નેતૃત્વનો વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પરમારે ખાતરી આપી હતી કે તેઓ આ જવાબદારી સંપૂર્ણ પ્રમાણિકતા, સમર્પણ અને નિષ્ઠાપૂર્વક નિભાવશે. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભાજપનું કાર્યકર્તા આધારિત સંગઠન અને કાર્યકરોની મહેનત જ પાર્ટીની સૌથી મોટી તાકાત છે. પ્રદેશ સ્તરે સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે કાર્યકરો સાથે સતત સંવાદ જાળવી રાખવામાં આવશે.

જયદ્રથસિંહજી પરમારની આ નિમણૂકથી પંચમહાલ જિલ્લામાં ભાજપને વધુ સંગઠનાત્મક બળ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્યકરોમાં વિશ્વાસ છે કે આવનારા સમયમાં પક્ષની પ્રવૃત્તિઓને નવી દિશા અને ગતિ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.