81 લાખનો દારૂ બટાકાના કોથળાની આડશમાં સંતાડીને અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો હતો
પ્રતિકાત્મક
હિંમતનગર- શામળાજી નેશનલ હાઈવે પર ટ્રકમાંથી રૂ.૮૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
તલોદ, સાબરકાઠા એલસીબીને મળેલ બાતમીને આધારે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આગિયોલમાં નાકાબંધી કરી બટાકાના કોથળાની આડશમાં સંતાડીને અમદાવાદ તરફ લઈ જવાઈ રહેલ રૂ.૮૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એકને દબોચી લઈ બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
આ અંગે મળતી માહિતી અનુસાર તા.ર૭ ડિસેમ્બર ર૦રપ શનિવારના રોજ એલસીબી પીઆઈ ડી.સી. સાકરીયાને બાતમી મળી હતી કે ટ્રકમાં શામળાજી તરફથી આવી રહી છે અને બટાકા ભરેલ કંતાનના કોથળાઓની આડશમાં દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ લઈ જવાઈ રહયો છે.
બાતમી આધારે શામળાજી અમદાવાદ હાઈવે રોડ ઉપર આગીયોલની સીમમાં નાકાબંધી કરવા દરમિયાન ઉપરોકત બાતમી મુજબનો ટ્રક આવતા ટ્રકને રોકી તપાસ હાથ ધરતા ટ્રકના પાછળના ભાગે ટ્રકનો સાચો રજિસ્ટ્રેશન નંબર આર.જે. ૧૮. જી. એ- પ૧૯પ હોવાનું માલૂમ પડ્યું હતું જેથી ટ્રકના ચાલકનું નામ પુછતા પોતે પોતાનું નામ બિરબલનાથ રેખનાથ હુનતનાથ ચૌહાણ (ઉ.વ.૪૦, રહે. લુનકરનસર, વોર્ડ નં.૯, જોગીયા બસ્તી, તા.લુનકરનસર, જિ. બિકાનેર- રાજસ્થાન)નો હોવાનું
જણાવતા ટ્રકની અંદર તપાસ હાથ ધરતાં બટાકા ભરેલ કંતાનના કોથળાઓની આડશમાં દારૂની પેટીઓ સંતાડેલી મળી આવી હતી જયારે ટ્રકના પાછળના ભાગેથી વિદેશી દારૂ કિ. રૂ.૮૧,૦૬,૦૦૦નો અને બટાકાના ર૧પ કોથળા જેની કિ. રૂ.પ૩,૭પ૦નો જથ્થો કબ્જે લઈ બિરબલનાથ રેખનાથ હુનતનાથ ચૌહાણની અટકાયત કરી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં દારૂ ભરી આપનાર યશવંત નામનો શખ્સ સહિત બે વીરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
