વડોદરાનું ખિસકોલી સર્કલ પર ટ્રાફિક જામને કારણે લોકો ત્રાહિમામ
ટ્રાફિક જામને કારણે લોકોનો કિંમતી સમય બગડી રહ્યો છે તેમજ ઈંધણનો પણ વ્યર્થ વપરાશ થઈ રહ્યો છે
વડોદર, સંસ્કારી નગરી વડોદરાના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો અત્યંત મહત્વનો ખિસકોલી સર્કલ હાલ નાગરિકો માટે મોટું માથાનું દુખાવો બની ગયો છે. વોર્ડ નંબર ૧૨માં અટલાદરા વિસ્તારથી વિશ્વામિત્રી નદી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી વરસાદી કાંસની કામગીરીને કારણે છેલ્લા ત્રણ મહિનાથી અહીં ગંભીર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.
કાંસની લાઈન રસ્તા પરથી ક્રોસ કરવામાં આવતી હોવાથી મુખ્ય માર્ગ નોંધપાત્ર રીતે સાંકડો થઈ ગયો છે. પરિણામે દિવસ-રાત વાહનોની લાંબી લાઈનો લાગી રહે છે. શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા આ રોડ પર ૨૪ કલાક ભારે વાહનવ્યવહાર રહે છે, પરંતુ કામગીરીની ધીમી ગતિને કારણે રોજેરોજ હજારો નોકરીયાત લોકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ટ્રાફિકમાં ફસાવું પડી રહ્યું છે.
ટ્રાફિક જામને કારણે લોકોનો કિંમતી સમય બગડી રહ્યો છે તેમજ ઈંધણનો પણ વ્યર્થ વપરાશ થઈ રહ્યો છે. સમયસર ઓફિસ, શાળા કે ધંધાના સ્થળે ન પહોંચી શકવાને કારણે નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત હોર્નના અવાજ અને વધતા પ્રદૂષણથી સ્થાનિક રહીશો પણ ત્રસ્ત બન્યા છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનો પણ ફસાઈ રહ્યા છે. કટોકટીના સમયે દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં થતો વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે. બીજી તરફ, મર્યાદિત જગ્યા અને ભારે વાહન ધસારાને કારણે ટ્રાફિક પોલીસને પણ વ્યવસ્થા સંભાળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મુદ્દે સામાજિક કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે શહેરના મહત્વના મુખ્ય માર્ગ પર ચાલતી કામગીરીને પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવી જોઈએ, પરંતુ હાલ તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
સ્થાનિકો અને સામાજિક કાર્યકરોની માંગ છે કે કાંસની કામગીરી વહેલી તકે પૂર્ણ કરીને માર્ગને પૂર્વવત કરવામાં આવે, જેથી જનતાને છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ટ્રાફિકના નરકમાંથી મુક્તિ મળી શકે.
