Western Times News

Gujarati News

દેહરાદૂનમાં ત્રિપુરાના વિદ્યાર્થીની હત્યાથી ઉત્તર-પૂર્વમાં ભારે રોષ

દેહરાદૂન, ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ત્રિપુરાના ૨૪ વર્ષીય વિદ્યાર્થી એન્જેલ ચકમાની હત્યાએ સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં આક્રોશ ફેલાવ્યો છે. આ કેસમાં પોલીસે ફરાર મૂળ નેપાળના રહેવાસી આરોપી પર રૂ. ૨૫ હજારનું ઈનામ જાહેર કર્યું છે અને તેને પકડવા માટે એક ટીમ નેપાળ મોકલવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલે કડક કાર્યવાહીનો ભરોસો આપ્યો છે.

મળતી માહિતી મુજબ, ત્રિપુરાના ઉનાકોટીનો રહેવાસી એન્જેલ ચકમા દેહરાદૂનની એક યુનિવર્સિટીમાં સ્મ્છના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ૯ ડિસેમ્બરની રાત્રે સેલાકુઈ માર્કેટમાં એન્જેલ અને તેના ભાઈ માઈકલની મણિપુરના સૂરજ ખવાસ અને તેના મિત્રો સાથે ઉગ્ર દલીલ થઈ હતી.

પીડિતના પિતા તરુણ ચકમાએ આક્ષેપ મુક્યો છે કે હુમલાખોરોએ એન્જેલને ‘ચાઈનીઝ’ અને ‘ચાઈનીઝ મોમો’ કહીને અપમાનિત કર્યાે હતો. એન્જેલે પોતે ભારતીય હોવાનું જણાવ્યું હોવા છતાં, તેના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા એન્જેલનું ૨૬ ડિસેમ્બરે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી ૬માંથી ૫ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, મુખ્ય આરોપી યજ્ઞરાજ અવસ્થી, જે નેપાળનો રહેવાસી છે, તે હજુ ફરાર છે. પોલીસે તેની ધરપકડ માટે રૂ. ૨૫ હજારનું ઈનામ જાહેર કર્યું છે.આ ઘટના મામલે રાજકારણ પણ ગરમાયું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘ભયાનક નફરતનો ગુનો’ ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આવી ઘટનાઓ એ નફરતનું પરિણામ છે જે દરરોજ યુવાનોને પીરસવામાં આવી રહી છે. સત્તાધારી ભાજપના નેતૃત્વ દ્વારા નફરત ફેલાવવાની બાબતને સામાન્ય બનાવી દેવામાં આવી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આપણે એવો મૃત સમાજ ન બનવું જોઈએ જે પોતાના જ દેશવાસીઓ પર થતા હુમલાઓ પ્રત્યે આંખ આડા કાન કરે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.