કેદારનાથ-બદ્રીનાથના પહાડોમાં હજુ સુધી સ્નો-ફાલ નહીં
ઉત્તરાખંડ, ડિસેમ્બર મહિનો હવે પૂર્ણતાના આરે છે અને નવા વર્ષના આગમનને આડે ગણતરીના કલાકો બાકી છે, તેમ છતાં ઉત્તરાખંડના પહાડો હજુ પણ બરફવગર વેરાન લાગે છે. સામાન્ય રીતે આ સમયે કેદારનાથ અને બદ્રીનાથ ધામ ૫થી ૮ ફૂટ બરફથી ઢંકાયેલા હોય છે, પરંતુ આ વર્ષે કુદરત કંઈક અનોખો જ મિજાજ જોવા મળી રહ્યો છે.ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ ઔલી અને ચંબામાં દર વર્ષે આ સમયે સ્નો-ફાલનો આનંદ લેવા પર્યટકો ઉમટી પડતા હોય છે.
આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા છે, પરંતુ બરફ ન હોવાને કારણે તેમના ચહેરા પર માયૂસી જોવા મળી રહી છે. માત્ર પર્યટકો જ નહીં, સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો પણ ચિંતામાં છે, કારણ કે બરફવર્ષા ન થવાને કારણે બાગાયતી ખેતી પર જોખમ તોળાઈ રહ્યું છે.હવામાન નિષ્ણાત પ્રોફેસર ડૉ. ચંદ્રમોહનના જણાવ્યા અનુસાર, આ વર્ષે ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ સતત નબળું રહ્યું છે.
જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય છે, ત્યારે જ પહાડોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડે છે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કોલ્ડવેવ, ધુમ્મસ અને ઝાકળનું પ્રમાણ પણ નહિવત રહ્યું છે, જેના કારણે ઠંડીએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું નથી.હિમાલયના બદલાતા સ્વરૂપ અને બરફની અછતને લઈને નિષ્ણાતોમાં મુખ્યત્વે બે અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે.
એકતરફ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (અમદાવાદ)ના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. એમ.એમ. કિમોઠી આ સ્થિતિને ક્લાયમેટ ચેન્જના ગંભીર સંકેત તરીકે જુએ છે; તેઓ જણાવે છે કે બદ્રીનાથમાં હવે એવી નવી વનસ્પતિઓ જોવા મળી રહી છે જે અગાઉ ક્યારેય ઉગતી નહોતી અને હિમાલયની ‘ટ્રી-લાઇન’ પણ સતત ઉપર તરફ ખસી રહી છે, જે ચિંતાજનક ફેરફાર છે.
બીજી તરફ, દેહરાદૂન હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. સી.એસ. તોમર આ પરિસ્થિતિને એક સામાન્ય પ્રક્રિયા ગણાવે છે. તેમનું માનવું છે કે ઉત્તરાખંડમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિના હંમેશા શુષ્ક રહ્યા છે અને ભૂતકાળમાં પણ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૩માં આ સમયગાળા દરમિયાન હિમવર્ષા નહોતી થઈ, પરંતુ ત્યારબાદ જાન્યુઆરીમાં ભારે હિમપાત નોંધાયો હતો.હવામાન વિભાગે નવા વર્ષ નિમિત્તે એક રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, ૩૧ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમિયાન એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટીવ થવા જઈ રહ્યું છે, જે લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલા હિમવર્ષાના દુષ્કાળનો અંત લાવી શકે છે.
આ સિસ્ટમની અસરને લીધે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢ જેવા જિલ્લાઓમાં ૩૨૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની પ્રબળ શક્યતા છે.
માત્ર પહાડો જ નહીં, પરંતુ મેદાની વિસ્તારો જેવા કે હરિયાણા અને દિલ્હી-NCRમાં પણ ૨ જાન્યુઆરી પછી કાતિલ ઠંડી, શીતલહેર અને ગાઢ ધુમ્મસ સાથે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે. હવામાનમાં આવનારા આ પલટાને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફરી આશા જાગી છે કે નવા વર્ષનું આગમન બરફની મનોહર સફેદ ચાદર સાથે થશે.SS1MS
