યુક્રેને પુતિનના ઘર પર ડ્રોન હુમલો કર્યો: રશિયાનો દાવો, વાટાઘાટો ખોરવાશે
મોસ્કો, રશિયા અને યુક્રેનના યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. યુક્રેને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનના ઘર પર ડ્રોન હુમલો કર્યાે હોવાનો દાવો રશિયાએ કર્યાે છે. યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવા જે વાતચીત ચાલી રહી છે તેના પર આ હુમલાની અસર પડી શકે છે.
બીજી તરફ યુક્રેને દાવો કર્યાે છે કે તેણે રશિયન પ્રમુખ પુતિનના ઘર પર કોઇ જ હુમલો નથી કર્યાે. અગાઉ, પ્રમુખ ટ્રમ્પે રવિવારે જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન પહેલાં કદી ન હતાં તેટલાં શાંતિ-સમજૂતી નજીક પહોંચી ગયા છે.પુતિનના નોવગોરોદમાં આવેલા ઘર પર ડ્રોન હુમલાના દાવા રશિયાએ કર્યા છે.
એવા પણ અહેવાલો છે કે પુતિને હવે ટ્રમ્પને કહ્યું છે કે જે શાંતિ વાટાઘાટો માટેના પ્લાન પર ફરી વિચાર કરી રહ્યા છે. ફલોરિડા સ્થિત પોતાનાં અંગત નિવાસ સ્થાનમાં પ્રમુખ ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે સઘન અને લંબાણપૂર્વક મંત્રણા કરી હતી. ઝેલેન્સ્કી શાંતિ માટેની ૨૦ મુદ્દાની સમજૂતીમાંથી ૯૦ ટકા પર સંમત થઈ ગયા છે.
બંને પ્રમુખો વચ્ચેની મંત્રણા પછી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે, યુક્રેની નેતા સાથેની મારી મંત્રણા ગજબની બની રહી હતી. તે દરમિયાન અમે યુક્રેન-યુદ્ધમાં શાંતિ સ્થાપના ઉપરાંત અનેકવિધ પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી.
આ પૂર્વે મેં પ્રમુખ પુતિન સાથે પણ બે કલાક સુધી ફોન ઉપર વાત કરી હતી તેમજ અન્ય યુરોપીય નેતાઓ સાથે પણ મંત્રણા (ટેલિફોન ઉપર) કરી હતી અને અમે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી થયેલા આ સૌથી વધુ ખતરનાક યુદ્ધનો અંત લાવવા પ્રયત્નો કરી રહ્યા છે.પુતિન અને ઝેલેન્સ્કી સાથે ત્રિપક્ષીય મંત્રણા યોજાશે કે કેમ ? તો તેના ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું, યોગ્ય સમયે તે પણ થશે.
તેઓએ પુતિનનાં ભૂરપુર વખાણ કરતાં કહ્યું કે, પુતિન પણ આવી ત્રિપક્ષીય મંત્રણા ઈચ્છે છે. તેઓ ઘણા ઉદાર પણ છે. આ મંત્રણા (ઝેલેન્સ્કી સાથેની મંત્રણા) પછી હું પુતિનને બીજો ફોન પણ કરવાનો છું. તેમણે દાવો કર્યાે હતો કે યુદ્ધ બંધ થયા પછી પુતિન તો યુક્રેનને રાહત દરે વીજળી સહિત બીજી બધી વસ્તુઓનો પુરવઠો પણ પૂરો પાડવા તૈયાર છે. આ સાથે પ્રમુખ ટ્રમ્પે ઝેલેન્સ્કીનાં પણ વખાણ કર્યા હતાં અને કહ્યું હતું કે હજી બંને એકબીજા ઉપર બોમ્બમારો કરી રહ્યાં છે.
આમ છતાં શાંતિ સમજૂતી અંગેના ૯૦ ટકા જેટલા મુદ્દાઓ ઉપર તેઓ સંમત થયા છે. ૨૦ પોઈન્ટ પ્લાનના ૧૦૦ ટકા મુદ્દાઓની સ્વીકૃતિ હવે બહુ દૂર નથી. યુ.એસ., યુરોપ-યુક્રેનનાં વચ્ચે સલામતી ગેરેન્ટી પણ સાધવામાં આવશે જે અંગે લગભગ સમજૂતી સધાઈ જ ગઈ છે. તે પૈકી સેનાકીય બાંહેધરી અંગે ૧૦૦ ટકા સમજૂતી સધાઈ ગઈ છે. તેમજ યુક્રેનને ફરી સમૃદ્ધ કરવાની યોજના પણ ઘડાઈ રહી છે. અમે યુદ્ધ બંધ થયા પછીના ક્રમશઃ પગલાંઓ વિષે પણ ચર્ચા કરી હતી તેમ પણ ઝેલેન્સ્કીએ તે પત્રકાર પરિષદમાં કહ્યું હતું.SS1MS
