Western Times News

Gujarati News

નવા વર્ષે દેશનાં ૪ મુખ્ય ધાર્મિક સ્થળોએ ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચવાની શક્યતા

નવી દિલ્હી, દેશના ચાર મુખ્ય ધાર્મિક સ્થળો તિરૂપતિ, અયોધ્યા, શીરડી અને વૈશ્નોદેવી ખાતે ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી દરમિયાન આશરે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને સંબંધિત મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આ તમામ ધાર્મિક સ્થાનોના મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને નિયંત્રિત કરવાના પગલાં અત્યારથી લેવાના શરૂ કરી દીધા છે.આંધ્ર પ્રદેશ સ્થિત તિરુપતિ મંદિરમાં ૩૦ ડિસેમ્બરથી ૧૦ દિવસીય વૈકુંઠ એકાદશી ઉત્સવ શરૂ થવાનો છે.

આ દરમિયાન ૧ જાન્યુઆરી એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ પણ આવતો હોવાથી તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા ભીડના મેનેજમેન્ટ માટે વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે.

બોર્ડના એક સભ્યે જણાવ્યું કે ૨૪થી ૨૬ ડિસેમ્બર દરમિયાન અહીં આશરે ૨ લાખ ભક્તો આવ્યા હતા, તેથી ૨૯થી ૩૧ ડિસેમ્બર માટે ૧.૮૯ લાખ દર્શન ટોકન જારી કર્યા બાદ કાઉન્ટરો બંધ કરી દેવાયા છે.૩૦ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી માત્ર તે જ તીર્થયાત્રીઓને દર્શનની મંજૂરી મળશે, જેમના પાસે એડવાન્સ બુકિંગવાળો માન્ય ટોકન હશે. મહારાષ્ટ્રના શિરડીમાં સ્થિત સાંઈ બાબાના મંદિરમાં આ વર્ષે આશરે ૬ લાખ ભક્તો પહોંચવાની સંભાવના છે.

તેથી સાઈ બાબા સંસ્થાને નિર્ણય કર્યાે છે કે ૩૧ ડિસેમ્બરે સાંઈ મંદિર આખી રાત ખુલ્લું રહેશે. નવાં વર્ષ માટે માતા વૈષ્ણો દેવી મંદિરમાં ‘ઝીરો ટોલરન્સ’ ભીડ વ્યવસ્થાપન યોજના અમલમાં મુકવામાં આવી છે.આ અંતર્ગત ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી માટે કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

કટરા પહોંચતા તમામ શ્રદ્ધાળુઓના દસ્તાવેજોની તપાસ પોલીસ દ્વારા હોટેલમાં જ કરવામાં આવી રહી છે. યોગ્ય ઓળખ દસ્તાવેજો હોવા પર જ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ આપવામાં આવશે.રામનગરી અયોધ્યા નવાં વર્ષથી ૧૦ દિવસ અગાઉથી જ લગભગ ભરાઈ ચૂકી છે. દરરોજ આશરે ૧ લાખ શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન માટે આવી રહ્યા છે. ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ આશરે ૨ લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.