રાજકોટ સિવિલમાં ફરજ પરના રેસિડેન્ટ ડૉક્ટર પર દર્દીના સગાનો હુમલો
રાજકોટ, રાજકોટની સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં રવિવારે રાત્રિના સમયે ફરજ પરના રેસિડેન્ટ ડોક્ટર પર દર્દીના સંબંધી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
બ્લડ બેંકમાંથી લોહી મેળવવા માટેના ફોર્મ બાબતે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા શખસે તબીબને માર મારતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાના વિરોધમાં સોમવારે મોટી સંખ્યામાં તબીબોએ હોસ્પિટલ સંકુલમાં એકત્ર થઈ “ગુંડાગર્દી બંધ કરો”ના નારા લગાવી હુમલાખોર સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
હુમલાનો ભોગ બનનાર ડોક્ટર પાર્થના જણાવ્યા અનુસાર ગુરુવારે અકસ્માતમાં ઘવાયેલા એક શ્રમિકને માથામાં હેમરેજ હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીને ત્રીજી વખત લોહી ચડાવવા માટે હોસ્પિટલની પોલિસી મુજબ પટાવાળાને ઇસ્યૂ ચીટ આપવાની હતી પરંતુ દર્દી સાથે આવેલા જયદીપ નામના શખસે આ ચીટ પોતે લેવાનો આગ્રહ રાખ્યો હતો. ડોક્ટરે નિયમ મુજબ ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને ન્યુરો સર્જન વોર્ડમાં જ તબીબનું ગળું દબાવી તેમને નીચે પછાડી દીધા હતા.આ હિંસક ઘટનાના ઘેરા પડઘા સિવિલ હોસ્પિટલના તબીબોમાં પડ્યા છે.
જનરલ સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર હેત રાદડીયાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તબીબો પર વારંવાર હુમલાની ઘટનાઓ બને છે છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. હોસ્પિટલમાં સિક્યુરિટી પણ અપૂરતી હોવાથી તબીબો અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
તબીબોએ માગ કરી છે કે આ કેસમાં જવાબદાર શખસ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તબીબને માર મારવાના કિસ્સામાં પ્રાથમિક નિવેદન નોંધવામાં આવ્યું છે. જોકે હાલ તબીબ પક્ષ તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી.SS1MS
