ફાર્મહાઉસમાં જમણવાર બાદ પૈસાની લેતી-દેતીમાં મિત્રએ મિત્રની હત્યા કરી
અમદાવાદ, બારેજડીથી કનીજ જવાના રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ ખાતે જમણવાર યોજાયો હતો. જેમાં કેટલાક મિત્રો ભેગા થયા હતા અને એક યુવકની ગર્લફ્રેન્ડ પણ હાજર હતી.
જમણવાર પૂરો થયા બાદ આ યુવકો બેઠા હતા ત્યારે બે લોકો વચ્ચે રૂપિયાની લેતીદેતીની વાત થઇ રહી હતી. આ દરમિયાનમાં અન્ય બે લોકો આ બંને યુવકોનું ઉપરાણું લેતા મામલો બિચક્યો હતો. જેમાં એક આરોપીએ બીજાને છરીનો ઘા મારી દેતા તેનું મોત નિપજ્યું હતું.
વિવેકાનંદનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્યમાં આવેલા બારેજડીથી કનીજ જવાના રોડ પરના મહેન્દ્ર ઉર્ફે ચકાભાઇ વાઘેલાના ફાર્મહાઉસ ખાતે જમણવારની પાર્ટી યોજાઇ હતી.
જેમાં ભાવેશ, વિશાલ, રોહિત, અજય, નીરજ તથા ભાવેશનો મિત્ર અને તેની ગલફ્રેન્ડ તથા પ્રવિણ ઉર્ફે લીંડી સહિતના મિત્રો હાજર હતા. જમણવાર બાદ તમામ લોકો વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાનમાં વિશાલ અને ભાવેશ વચ્ચે ચાલી રહેલા નાણાકીય વ્યવહારની વાતચીત થઇ રહી હતી. તે જ સમયે બંનેનું ઉપરાણું લેવા બાબતે રોહિત પાલને તેના મિત્ર અજય સાથે બોલાચાલી થઇ હતી.
બોલાચાલી દરમિયાન ઝઘડો ઉગ્ર બનતા રોહિત અને અજયે એકબીજાને ગાળો બોલીને મારામારી કરી હતી. તે સમયે આરોપી અજયે આવેશમાં આવીને રોહિતને છરી જેવા હથિયારનો ઘા મારી દેતા સાથળના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચી હતી. રોહિતને લોહીલુહાણ હાલતમાં જોઇને આરોપી અજય ત્યાંથી ભાગી ગયો હતો.
જ્યારે અન્ય લોકોએ રોહિતને સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રોહિતનું મોત નિપજ્યું હતું. પોલીસને જાણ થતાં વિવેકાનંદનગર પોલીસે આરોપી અજય ચેડવાલ (રહે. શ્રીજી સોસાયટી, ગેરતપુર) સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS
