25મી જાન્યુઆરી સુધી ચાલશે અમદાવાદમાં ફ્લાવરશો
અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ-૧૦ લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ
(તમામ તસવીરોઃ જયેશ મોદી) (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે, જે ૨૫ જાન્યુઆરી સુધી ચાલશે.
આ વખતે ફ્લાવર શો સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ ૭૩,૦૦૦ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે.

આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત છે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓની ઝલક જોવા મળશે. પ્રદર્શનમાં ૧૬૭થી વધુ અદભૂત સ્કલ્પચર્સ અને ૪૮ થી વધુ પ્રજાતિના અંદાજે ૧૦ લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ફ્લાવર શોને કુલ ૬ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. પ્રથમ ઝોનમાં ભારતના તહેવારોની પ્રતિકૃતિઓ છે, જેમાં યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત દિવાળીના પર્વનું વિશેષ આકર્ષણ છે. બીજા ઝોનમાં ભારતીય નૃત્યો અને ત્રીજા ઝોનમાં પૌરાણિક ભારતની થીમ પ્રદર્શિત કરાઈ છે. ચોથો ઝોન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેના વિશેષ પ્રયાસો માટે ફાળવવામાં આવ્યો છે,

જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તેમનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ અને ફૂલોથી બનેલું વિશાળ મંડાલ આર્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. પાંચમા ઝોનમાં ભારતે અવકાશ અને અન્ય ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓનું પ્રદર્શન છે, જ્યારે છઠ્ઠો ઝોન ખાસ કરીને બાળકોના મનોરંજન માટે તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ગરબા અને મિશન ૪ મિલિયન ટ્રી જેવા સામાજિક અભિયાનોની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. ટિકિટના દર પર કરો નજર મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર ૮૦ રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે ૧૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.

૧૨ વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર ૧૦ રૂપિયા ફી રાખવામાં આવી છે. શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે ૫૦૦ રૂપિયાની ટિકિટ સાથે ‘પ્રાઇમ સ્લોટ’ની પણ વ્યવસ્થા છે.
આ આખા આયોજન પાછળ અંદાજે ૧૪થી ૧૫ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. તો સ્પોન્સરશિપ અને સ્ટોલ્સના માધ્યમથી કોર્પોરેશનને મોટી આવક પણ થશે. આ ફ્લાવર શો દ્વારા હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળવાની સાથે અમદાવાદના પ્રવાસન અને અર્થતંત્રને પણ વેગ મળશે.

