Western Times News

Gujarati News

મહેમદાવાદના વરસોલા પાસેથી ચાઇનીઝ દોરીની ૧૩૩ નંગ રીલ સાથે એક શખ્સ ઝડપાયો

(પ્રતિનિધિ)નડિયાદ, ઉત્તરાયણના પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને હેરાફેરી સામે ખેડા એસ.ઓ.જી. એ મહેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાં બાતમીના આધારે હાથ ધરાયેલા દરોડામાં ૧૩૩ નંગ ચાઇનીઝ દોરીની રીલ સાથે એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ખેડા- એસ.ઓ.જી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેમદાવાદ તાલુકાના વરસોલા ચોકડીથી વાંઠવાળી તરફ જતા રોડ પર, એશિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની આગળ વોચ ગોઠવવામાં આવી હતી.

બાતમી મુજબનો ઇસમ પ્રતિબંધિત ચાઇનીઝ માંઝાની ફિરકીઓની હેરાફેરી કરી રહ્યો હોવાનું જણાઈ આવતા પોલીસે દરોડો પાડી ચિરાગકુમાર ભગવતસિંહ પરમાર (ઉં.વ. ૨૪, રહે. કાછઇ આંબલાવાળા ખેતરમાં, તલાવડી પાસે, તા. મહેમદાવાદ, જી. ખેડા)

સ્થળ પરથી પકડી પાડ્‌યો છે તેની તલાશી લેતા જર્મન ટેકનોલોજી કાંચ રહિત માંઝા નોન મેટાલીક શોક પ્રૂફ’ લખેલ ચાઇનીઝ દોરીની કુલ ૧૩૩ નંગ રીલ મળી આવી હતી.

પોલીસે અંદાજે ૩૯,૯૦૦/- રૂપિયાની કિંમતનો આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. સરકાર દ્વારા જાહેરનામા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ ચાઇનીઝ દોરીની હેરાફેરી કરવા બદલ આરોપી ચિરાગકુમાર ભગવતસિંહ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ ૨૨૩ મુજબ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.