ખાખી વર્દીમાં જ રિક્ષામાંથી વિદેશી દારૂ ભરેલાં બોક્સ કારમાં ભરતો હતો અને રેડ પડી
પ્રતિકાત્મક
અરવલ્લીમાં દારૂ પકડતી પોલીસ દારૂ પહોંચાડતી જોવા મળી ઃ દારૂની હેરાફેરી કરતા બે કોન્સ્ટેબલ ઝડપાયા
બાયડ, અરવલ્લી જિલ્લા પોલીસ માટે ફરીથી ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે. ૩૧ ડિસેમ્બર પૂર્વે વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા માટે જિલ્લા પોલીસે ધોંસ વધારી છે ત્યારે શામળાજીના અણસોલ ગામે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવા રેઈડ કરી હતી. ત્યારે ખુદ એલસીબીના પોલીસ અધિકારીઓ જ ચોંકી ઉઠયા હતા.
જેમાં શામળાજી પોલીસ મથકનો અનાર્મ કોન્સ્ટેબલ અને અન્ય અકે સસ્પેન્ડેડ એસઆરપી જવાન મળી બે પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. ભુતકાળમાં પણ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂકયા છે.
અરવલ્લી જિલ્લામાં વિદેશી શરાબના શોખીનો સુધી દારૂ પહોંચાડવા બુટલગરો ઘાંઘા થયા છે. બીજી તરફ જિલ્લા પોલીસે પણ રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જિલ્લાની સરહદોએ ઘોંસ વધારી દીધી છે જિલ્લા એલસીબીનો સ્ટાફ શામળાજી પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે
શામળાજી પોલીસ મથકની અણસોલ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતો અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પોપટ ભરવાડ અણસોલની ભણાત ફળી ખાતે રહેતા સુરેશ નિનામાની સીએનજી રિક્ષામાં રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો મંગાવડાવી તેના ઘરે જથ્થો ઉતરાવ્યો છે તેમજ ધનસુરાના જામઠાનો એસઆરપી કોન્સ્ટેબલ રાહુલ દેસાઈને કટિંગ કરી જથ્થો આપવાનો છે.
આ બાતમીના આધારે એલસીબીએ રેઈડ કરી હતી. જયાં ભણાત ફળી સુરેશ ઉર્ફે મામુ નિનામાના ઘર આગળ વાદળી સ્વીફટ કાર અને એક સીએનજી રિક્ષા ઉભેલી હતી. જયાં સીએનજી રિક્ષામાંથી પોલીસનો યુનિફોર્મ પહેરેલો શખ્સ અને તેની સાથે ઉભેલા બીજા ત્રણ શખ્સો રિક્ષામાંથી વિદેશી દારૂ ભરેલાં બોક્સ સ્વીફટ કારમાં ભરી રહ્યા હતા.
એલસીબીએ બેટરીનો પ્રકાશ પાડતાં જ બધા શખ્સો ભાગવા માંડ્યા હતા. જેમાં એલસીબીએ પીછો કરી પોલીસ યુનિફોર્મ પહેરેલા અનાર્મ પો.કો. પોપટ ભરવાડ, એસઆરપી કોન્સ્ટેબલ રાહુલ દેસાઈને ઝડપી લીધા હતા. જયારે અન્ય બે શખ્સો નાસી છૂટયા હતા. એલસીબીના અધિકારીઓ પણ પોલીસનો યુનિફોર્મ પહેરી વિદેશી દારૂનું કટિંગ કરતા અનાર્મ પો.કો. ને જોઈને દંગ થઈ ગયા હતા.
બંન્ને આરોપી પોલીસ કર્મીઓને અરવલ્લી એસપી કચેરીએ લવાયા હતા. એલસીબીએ સ્થળ પરથી રૂ.૩,૭પ,૧ર૦ની કિંમતનો વિદેશી દારૂ, ૩ મોબાઈલ ફોન, રિક્ષા, સ્વીફટ કાર મળી કુલ રૂ.૧૦,૪પ,૧ર૦નો મુદ્દામાલ જપ્ત કરી બે પોલીસ કર્મી અને નાસી છૂટેલા રાહુલ દામજી વાળંદ રહે. શક્તિનગર, તા. ધનસુરા જિ. અરવલ્લી, સુરેશ ઉર્ફે મામુ રણછોડ નિનામા, રહે. અણસોલ ભણાત ફળી, તા. શામળાજી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
