હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણીમાં કયા કારણસર વિવાદ થયો? નોમીનીઝ કોર્ટમાં રીટ
(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર નાગરિક બેંકની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે ત્યારે બેંકના ચુંટણી અધિકારીએ તાજેતરમાં ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યા બાદ હિંમતનગરના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં હલચલ શરૂ થઈ ચુકી છે ત્યારે હિંમતનગરના એક જાગૃત નાગરિકે સોમવારે બેંકની ચુંટણી સંદર્ભે પેટા કાયદાની જોગવાઈ મુજબ મનાઈ અરજી રજુ કરી હતી.
પરંતુ સામે પક્ષે નાગરિકે બેંકે પણ મહેસાણા નોમીનીઝ કોર્ટમાં કેવીયટ દાખલ કરેલી હોવાથી આ મામલે નોમીનીઝ કોર્ટના સક્ષમ અધિકારીએ મંગળવારે હિંમતનગર નાગરિક બેંકને શો-કોઝ કારણ દર્શક નોટીસ આપતાની સાથે જ નાગરિક બેંકની ચુંટણી હવે વિવાદમાં આવી ગઈ છે. જોકે આ મામલે તા.ર જાન્યુઆરીના રોજ નોમીનીઝ કોર્ટમાં સુનાવણી થયા બાદ બેંકની ચુંટણીનું ભાવિ નક્કી થવાની શકયતા છે.
આ અંગે હિંમતનગરમાં રહેતા મુકેશ કાંતિલાલ પટેલે સંયુક્ત રજીસ્ટ્રાર અને સભ્યશ્રી બોર્ડ ઓફ નોમીનીઝ મહેસાણા વિભાગમાં સોમવારે રજુ કરેલી મનાઈ હુકમ મેળવવા માટે કરેલી અરજીને જવાબદાર અધિકારીએ સ્વિકારી હતી અને તે સંદર્ભે નોમીનીઝ કોર્ટ દ્વારા મંગળવારે હિંમતનગર નાગરિક બેંકના જવાબદાર અધિકારીને શો-કોઝ કારણ દર્શક નોટીસ આપવામાં આવી હતી. જેને લઈને હિંમતનગરનું રાજકીય અને સહકારી રાજકારણમાં હાલના તબક્કે અનેક તર્કવિતર્ક સાથે વિવિધ ચર્ચાઓએ જોર પકડયું છે.
તો બીજી તરફ નાગરિક બેંકની ચુંટણીને લઈને કેટલાક મૂરતીયાઓએ ચુંટણીમાં ઝંપલાવવાનું મન મનાવી લીધા બાદ મત મેળવવા માટે સંપર્ક કરવાનું શરૂ કરી દીધુ છે ત્યારે હજુ તો નાગરિક બેંકની ચુંટણીમાં પાશેરાની પહેલી પુણી એટલે કે જાહેરનામું જ પ્રસિધ્ધ થયું છે. ત્યારે શો-કોઝ કારણ દર્શક નોટીસનું પરિબળ કોને કેટલું ફળે છે અથવા તો નુકશાન પહોંચાડે છે તે માટે હાલના તબક્કે કઈ પણ કહેવું વહેલું છે.
જોકે એવું પણ મનાઈ રહયું છે કે કોઈપણ સહકારી સંસ્થાની ચુંટણી યોજાય તે પહેલા તત્કાલિન બેંકના ડીરેકટરો કાયદાકીય સલાહ લઈને લાગતા વળગતા કાયદાના નિષ્ણાંતોની સલાહ લીધા બાદ જરૂરી કાર્યવાહી કરી જો કોઈ ચુંટણીને કોર્ટમાં પડકારે તો કેવીયટ દાખલ કરવાનું ચુકતા નથી.
હવે નાગરિક બેંકની ચુંટણીમાં મનાઈ અરજીનો જવાબ રજુ કરવા માટે તા.ર જાન્યુઆરી ર૦ર૬ના રોજ રખાયેલી સુનાવણીમાં બેંક દ્વારા અરજીના જવાબમાં જે વિગતો રજુ કરાશે તે આધારે આખરી નિર્ણય થાય તેવી શકયતા છે. તે પાછળનું કારણએ છે કે બેંકની ચુંટણીના જાહેરનામા મુજબ તા.૧થી ૩ જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરાવવાના છે. તે અગાઉ સુનાવણીમાં શું આવે છે તે જોવું રહયું.
