જાપાનને પછાડી ભારત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું
નવી દિલ્હી, આર્થિક મોરચે એક મોટી સિદ્ધિ હાંસલ કરીને ભારત જાપાનને પછાડીને વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને ૨૦૩૦ સુધીમાં જર્મનીને પાછળ રાખી ત્રીજા ક્રમનું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે તેમ સરકારે જણાવ્યું છે.
૨૦૨૫માં ભારતના અર્થતંત્રનું કુલ કદ ૪.૧૮ ટ્રિલિયન ડોલર રહ્યું છે. હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે, જ્યારે ચીન બીજા ક્રમ આવે છે.ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૮.૨ ટકા જેટલો ઊંચો રહ્યો હતો, જે ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ૭.૪ ટકા અને પ્રથમ ક્વાર્ટરમાં ૭.૮ રહ્યો હતો.૨૦૨૫માં કરાયેલા આર્થિક સુધારાની વિગતો આપતા સરકારે જણાવ્યું હતું કે ૪.૧૮ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર સાથે જાપાનને પાછળ રાખી ભારત વિશ્વના ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.
ભારે આગામી અઢીથી ત્રણ વર્ષમાં જર્મનીને પાછળ રાખીને વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવા માટે સજ્જ છે. ૨૦૩૦ સુધીમાં ભારતના અર્થતંત્રનું કદ વધી ૭.૩ ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર છ ક્વાર્ટરમાં સૌથી ઊંચા રહ્યો હતો. અમેરિકાની ઊંચી ટેરિફને પગલે વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા હોવા છતાં ભારત તમામ અવરોધને પાર કરીને ઊંચી વૃદ્ધિ નોંધાવી રહ્યું છે.
મજબૂત ખાનગી વપરાશની આગેવાની હેઠળના ઘરેલુ આર્થિક પરિબળો જીડીપી વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.વર્લ્ડ બેન્ક સહિતની આંતરરાષ્ટ્રીય એજન્સીઓના જીડીપી વૃદ્ધિના અંદાજને ટાંકીને સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ આ આશાવાદનો પડઘો પાડ્યો છે.
વર્લ્ડ બેન્કે ૨૦૨૬માં ભારતની આર્થિક વૃદ્ધિ ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. મૂડીઝના અંદાજ મુજબ ૨૦૨૬માં ૬.૪ ટકા અને ૨૦૨૭માં ૬.૫ ટકા વૃદ્ધિ સાથે ભારત જી-૨૦ દેશોમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનો દરજ્જો જાળવી રાખશે.SS1MS
