લગ્ન નોંધણી પૂર્વે યુવક-યુવતીના માતા-પિતાને જાણ કરતી નોટિસ અપાશે
ગાંધીનગર, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષાેથી યુવક-યુવતીઓમાં ભાગીને લગ્ન કરવાનું ચલણ વધતા ઊભી થયેલી સામાજિક સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર હવે ભાગીને લગ્નના કિસ્સામાં કરાતી નોંધણીની પદ્ધતિમાં મોટાપાયે ફેરફાર કરવા જઇ રહી છે. જેમાં હવે ભાગીને લગ્ન કરનારા યુગલોની નોંધણીને વર્ગ-૨ના અધિકારી દ્વારા જ આખરી મંજૂરી આપવામાં આવશે.
એટલું જ નહીં, ભાગીને લગ્ન કરવાના કિસ્સામાં સામેલ જે તે યુવક-યુવતીના માતા-પિતાને પણ નોટિસ દ્વારા તેની જાણ કરવામાં આવશે. નવા સૂચિત સુધારાને બુધવારે મંત્રીમંડળની બેઠકમાં રજૂ કરાય તેવી સંભાવના છે. તેમાં મંજૂરી મળશે તો નિયમો નક્કી કરીને તેનો અમલ કરવાનો માર્ગ મોકળો થઇ જશે. રાજ્યમાં ભાગીને માતા-પિતાની જાણ બહાર લગ્ન કરી લેતા યુવક-યુવતીઓ ઉપર હવે સરકારી નિયમો થકી નિયંત્રણ આવી શકે છે.
પાટીદાર સહિત અનેક જ્ઞાતિઓ દ્વારા આવા પ્રકારના લગ્નના કિસ્સામાં બારોબાર લગ્નની નોંધણી થઇ જાય છે તેના કારણે માતા-પિતાની હાલત કફોડી થઇ જતી હોવાની રજૂઆત થઇ હતી. કેટલાક કિસ્સામાં છોકરીની ઉંમર ૧૯-૨૦ વર્ષની હોય અને ભાગીને લગ્ન કરે તેવા કિસ્સામાં યુવક તેને લાયક નહીં હોવાની કે ફોસલાવી લગ્ન કરાયા હોવાની પણ ફરિયાદો થતી હતી.
આ ઉપરાંત તાજેતરમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને ઉત્તર ગુજરાતના કેટલાક ગામડામાં તલાટી કમ મંત્રી દ્વારા રૂપિયા લઇને મોટાપાયે લગ્નની મંજૂરી અયોગ્ય રીતે આપી દેવાઇ હોવાના કૌભાંડના કિસ્સા પણ બહાર આવ્યા હતા. તેના કારણે સામાજિક સંગઠનો દ્વારા ભાગીને લગ્ન થાય તેમાં ચેક પોઇન્ટ મૂકવા માગણી કરાતી હતી તેને સંતોષવા સરકાર જઇ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, હવે જે યુગલ ભાગીને લગ્ન કરશે તેની સત્તાવાર સરકારી નોંધણીને વર્ગ-૨ના અધિકારી આખરી મંજૂરી આપશે તે પછી જ તેની નોંધણી થઇ શકશે. તલાટી કમ મંત્રી વર્ગ-૨ના અધિકારીની મંજૂરી વિના સીધી લગ્ન નોંધણી કરી શકશે નહીં.
જ્ઞાતિઓના સંગઠનો દ્વારા ભાગીને લગ્ન કરે તેમના માતા-પિતાની સંમતિ વિના લગ્ન ન થાય તેવી માગણી હતી, તેને પણ ધ્યાને રાખતા આવા યુગલના માતા-પિતાને પણ લગ્ન નોંધણી પૂર્વે નોટિસ આપવામાં આવશે. માતા-પિતાને નોટિસ મળે તેના ૩૦ દિવસમાં યુવક-યુવતીના માતા-પિતા કે વાલીએ નોટિસ સંદર્ભે તેનો જવાબ જે તે સ્થળે આપવાનો રહેશે.
તલાટી કમ મંત્રી પોતાની પાસે લગ્ન નોંધણીની જે અરજી મળે તેની પ્રક્રિયા પૂર્ણ કરીને વર્ગ-૨ના અધિકારીને મોકલશે અને તેઓ આખરી મંજૂરી આપે તે પછી જ લગ્નની નોંધણી થઇ શકશે. સરકારી વિભાગો દ્વારા આ નિયમો તૈયાર કરાયા છે જેને મંત્રી મંડળની બેઠકમાં રજૂ કરવામાં આવશે, તેમાં યોગ્ય સુધારા-વધારા પછી તેને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવશે.SS1MS
