Western Times News

Gujarati News

અંતિમ ટી૨૦માં શ્રીલંકા સામે રોમાંચક વિજય સાથે ભારતે વ્હાઈટવોશ કર્યો

થિરુવનંથપુરમ, કેપ્ટન હરમનપ્રીત કૌરની ૬૮ રનની આક્રમક ઈનિંગ્સ બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચમી અને અંતિમ ટી૨૦ મેચમાં શ્રીલંકા સામે૧૫ રને વિજય નોંધાવ્યો હતો.

આ વિજય સાથે જ ભારતીય ટીમે શ્રીલંકાનો વ્હાઈટ વોશ કર્યાે હતો અને પાંચ મેચની સીરિઝ ૫-૦થી પોતાના નામે કરી હતી. ભારતે આપેલા ૧૭૬ રનના લક્ષ્યાંકના જવાબમાં હસિની પરેરા અને ઈમેશા દુલાનીએ લડાયક અડધી સદી ફટકારી પરંતુ અન્ય બેટર્સ નિષ્ફળ રહેવાના કારણે શ્રીલંકાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકન ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૬૦ રન નોંધાવી શકી હતી. આ મેચમાં એક વિકેટ ઝડપવાની સાથે દીપ્તિ શર્મા ટી૨૦માં સૌથી વધુ વિકેટ ઝડપનારી બોલર બની હતી.

ભારતે આપેલા ૧૭૬ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે સાત રનના સ્કોર પર કેપ્ટન ચમારી અટાપટ્ટુની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, બાદમાં ઓપનર હસિની પરેરા અને ઈમેશા દુલાનીએ શાનદાર બેટિંગ કરી હતી અને ૭૯ રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, આ જોડી તૂટ્યા બાદ શ્રીલંકાનું વિકેટ પતન થયું હતું. ઈમેશા ૩૯ બોલમાં આઠ ચોગ્ગાની મદદથી ૫૦ રન નોંધાવીને આઉટ થઈ હતી.

હસિની પરેરાએ એક છેડો જાળવી રાખવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ સામે છેડે વિકેટો પડી રહી હતી. નિલાક્ષિકા સિલ્વા ત્રણ અને કાવિશા દિલહારી પાંચ રન નોંધાવીને પેવેલિયન પરત ફરી હતી. અંતે શ્રી ચરણીએ હસિનીને આઉટ કરીને શ્રીલંકાને મોટો ઝટકો આપ્યો હતો. તેણે ૪૨ બોલમાં ૬૫ રન ફટકાર્યા હતા જેમાં આઠ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. ત્યારબાદ હર્ષિતા સમારાવિક્રમા આઠ તથા કૌશાની નુત્યાંગના એક રન નોંધાવીને આઉટ થઈ હતી.

રશ્મિકા સેવાન્ડિએ અંતિમ ક્ષણોમાં આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ તે વિજય માટે પૂરતો ન હતો. તેણે આઠ બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ ૧૪ રન ફટકાર્યા હતા.

ભારત માટે દીપ્તિ શર્મા, અરૂંધતી રેડ્ડી, સ્નેહ રાણા, વૈષ્ણવી શર્મા, શ્રી ચરણી અને અમનજોત કૌરે એક-એક વિકેટ ઝડપી હતી.અગાઉ શ્રીલંકાએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ભારતનો પ્રારંભ નબળો રહ્યો હતો. અગાઉની સળંગ ત્રણ મેચમાં આક્રમક બેટિંગ કરીને અડધી સદી ફટકારનારી શેફાલી વર્મા આ મેચમં છ બોલમાં માત્ર પાંચ રન કરી શકી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.