Western Times News

Gujarati News

ખભીંસર ગામે શાંતિપૂર્ણ માહોલમાં અનુસૂચિ જાતિ યુવકનો વરઘોડો વાજતે-ગાજતે નીકળ્યો

 અરવલ્લી જિલ્લા સહિત રાજ્યમાં ખંભીસરનું વરઘોડા પ્રકરણ ખુબ ચર્ચામાં રહ્યું હતું. તે સમયે મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો નિકળવાનો હતો તે માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહિલાઓ દ્વારા રસ્તાઓ ઉપર ભજન કિર્તનના કાર્યક્રમો કરી વરઘોડો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ પ્રકરણમાં પથ્થરમારા સહિતની ઘટનાઓ પણ બની હતી.

જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા આ કલંકિત ઘટનાના ૯ મહિના પછી અનુસૂચિત જાતિ સમાજના અલ્પેશ રાઠોડ નામના  યુવકનો વરઘોડો વાજતે શાંતિપૂર્ણ માહોલમાં ગામમાં નીકળ્યો હતો અનુ.જાતિ સમાજના યુવકના વરઘોડામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપી સહીત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખંભીસર ગામે ખડકી દેવાયો હતો

અરવલ્લી જિલ્લા સહિત રાજ્યમાં ખંભીસરનું વરઘોડા પ્રકરણ ખુબ ચર્ચામાં રહ્યું હતું. બહુચર્ચિત ખંભીસર ગામના દલિત વરઘોડા પ્રકરણમાં ૧૨-૫-૨૦૧૯ના રોજ ખંભીસર ગામના જયેશભાઈનો વરઘોડો ગામમાં ન નિકળે તે માટે વરઘોડા સમયે ગામના જ એક કોમના કેટલાક લોકોએ ગામના જે રસ્તાઓ ઉપરથી વરઘોડો પસાર થવાનો હતો ત્યારે એક સંપ થઈને તમામ પટેલ ફળિયાના નાકે હવનકુંડ બનાવી ભજન કિર્તન કરી રસ્તાઓ રોકી તેમજ પ્રેમનગર પટેલ ફળિયામાં જતા વરઘોડાને અટકાવી દલિતોની વિનંતીનો અસ્વિકાર કર્યો હતો અને જાહેરમાં જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલવામાં આવ્યા હતા.

જ્યારે ગાળો બોલીને પથ્થરમારો પણ કરવામાં આવતાં વરઘોડામાં સામેલ દલિતોને ઈજાઓ પણ પહોંચી હતી. બાદમાં સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દલિત યુવકનો વરઘોડો રોકવા અંગે એટ્રોસીટી એક્ટ હેઠળ મોડાસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ઘટનાના ૯ મહિના પછી પીડિત પરિવારના કુટુંબના અલ્પેશ ચંદુભાઈ રાઠોડ નામના યુવકનો વરઘોડો વાજતે-ગાજતે કાઢવામાં આવ્યો હતો

યુવકના પરિવારજનોએ વરઘોડા અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવતા જીલ્લા પોલીસવડાએ ગુરુવારે સવારથી મોટીસંખ્યામાં પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ વરઘોડાના રસ્તા પર પોલીસતંત્રે બાજ નજર રાખી હતી શાંતિપૂર્ણ  માહોલમાં અનુ.જાતિ સમાજના યુવકનો વરઘોડો ઘરે પરત ફરતા યુવકના પરિવારજનો અને પોલીસતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.