નવા વર્ષની ધમાકેદાર શરૂઆત: 1 જાન્યુઆરીએ રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’
Ahmedabad: ગુજરાતી સિનેમા જગતમાં હાસ્ય અને પારિવારિક લાગણીઓનો મનોરંજક ડોઝ લઈને આવી રહી છે ફિલ્મ ‘બિચારો બેચલર’. વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ 1 જાન્યુઆરી, 2026 ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સજ્જ છે. દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ કોમેડી અને ફેમિલી ડ્રામાનું એક શાનદાર મિશ્રણ છે, જે બેચલર યુવાનો માટે અત્યંત ‘રિલેટેબલ’ અને પરિણીત લોકો માટે પોતાના દિવસો યાદ અપાવનાર ‘ફ્લેશબેક’ સમાન સાબિત થશે.
ફિલ્મની વાર્તા 28 વર્ષના યુવાન અનુજની આસપાસ વણાયેલી છે, જેની ભૂમિકા લોકપ્રિય અભિનેતા તુષાર સાધુએ ભજવી છે. અનુજ તેના પરિવાર સાથે મળીને ‘પરફેક્ટ દુલ્હન’ શોધવાની એક મજેદાર અને લાગણીસભર સફર પર નીકળે છે. જ્યારે કોઈ પુરુષ 27-28 વર્ષની ઉંમરે પહોંચે અને હજુ અપરિણિત હોય, ત્યારે તેના પર પરિવાર અને સમાજ તરફથી આવતા લગ્નના દબાણને ફિલ્મમાં અત્યંત રમૂજી અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે.
તુષાર સાધુએ આ વિષય અંગે જણાવ્યું હતું કે, આ ફિલ્મ એવા દરેક યુવાનની પીડા અને પરિસ્થિતિને વાચા આપે છે જેમને સતત એક જ સવાલ પૂછવામાં આવે છે કે ‘તું ક્યારે પરણીશ?’
વીર સ્ટુડિયોઝ અને રાજુ રાડિયા પ્રોડક્શન્સના સહયોગથી બનેલી આ ફિલ્મને એસ. આર. પટેલ અને રાજુ રાડિયા (જર્સી સિટી) પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યારે ડૉ. જયેશ પટેલ અને નિખિલ રાયકુંડલીયા કો-પ્રોડ્યુસર્સ તરીકે જોડાયેલા છે. ફિલ્મમાં તુષાર સાધુની સાથે પ્રશાંત બારોટ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી અને સાહિલ પટેલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. વિશેષ આકર્ષણ એ છે કે ફિલ્મમાં ટ્વિંકલ પટેલ, રિદ્ધિ ડાંગર અને શિવાની પંચોલી સહિત કુલ 9 પ્રતિભાશાળી અભિનેત્રીઓ મહત્વના પાત્રો ભજવી રહી છે, જે વાર્તામાં અનેક વળાંકો અને હાસ્યના ફુવારા લાવશે.
દિગ્દર્શક વિપુલ શર્માના મતે, ‘બિચારો બેચલર’ એક એવી ફિલ્મ છે જેની સાથે દરેક પેઢીના લોકો જોડાઈ શકશે, કારણ કે તે માત્ર પુરુષો જ નહીં પરંતુ સ્ત્રીઓની અપેક્ષાઓ અને સામાજિક પરિસ્થિતિઓને પણ સુંદર રીતે દર્શાવે છે. ૨ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ શુદ્ધ પારિવારિક મનોરંજન પૂરું પાડશે તેવી પૂરી સંભાવના છે. લગ્નની મોસમમાં લગ્ન કરવા ઈચ્છુક યુવાનો અને તેમના પરિવારજનો માટે આ ફિલ્મ જોવી એક લ્હાવો બની રહેશે.
