Western Times News

Gujarati News

લીગલ ઈમરજન્સી અંગે મુખ્ય ન્યાયમૂર્તિનો ઐતિહાસિક નિર્ણય

લીગલ ઈમરજન્સીની સ્થિતિમાં ગમે તે સમયે અદાલતનો દરવાજો ખખડાવી શકાશે

(એજન્સી) નવી દિલ્હી, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની સુનાવણી અંગે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે લીગલ ઈમરજન્સી(કાયદાકીય કટોકટી)ની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ ગમે તે સમયે અદાલતનો દરવાજો ખખડાવી શકે છે.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના જણાવ્યા અનુસાર, જો તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડની ધમકી આપવામાં આવે, તો નાગરિકો પોતાના મૌલિક અધિકારોની રક્ષા માટે મધરાતે પણ સુનાવણીની માંગ કરી શકે છે.

જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, ‘હું પ્રયાસ કરી રહ્યો છું કે સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતો જનતા માટે હંમેશા ઉપલબ્ધ રહે. અદાલતની કાર્યવાહી સ્થગિત થયા પછી પણ વ્યક્તિ લીગલ ઈમરજન્સીમાં કોર્ટ પહોંચી શકે.’

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું કે અદાલતોમાં મોટી સંખ્યામાં અરજીઓ પડતર છે, જેના નિકાલ માટે વધુને વધુ બંધારણીય બેંચની રચના કરવાની જરૂર છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આ અરજીઓમાં જીંઇ જેવા મુદ્દાઓ પણ સામેલ છે, જે બિહાર બાદ ૧૧ રાજ્યોમાં ચાલી રહ્યું છે અને તેને કોર્ટમાં પડકારવામાં આવ્યું છે.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના જણાવ્યા અનુસાર, સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ પણ અરજીઓ દાખલ થઈ છે. આ મામલો ધાર્મિક સ્વતંત્રતા અને મહિલા અધિકારો વચ્ચેના સંઘર્ષનો છે, જેના માટે નવ સભ્યોની બેંચ બનાવવાની જરૂર છે.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે વકીલો માટે પણ નવા નિયમો લાગુ કરવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે મહત્ત્વપૂર્ણ કેસોમાં વકીલો ઘણા દિવસો સુધી દલીલો ચાલુ રાખી શકશે નહીં અને તેના માટે સમયમર્યાદા લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, હવે સુપ્રીમ કોર્ટના વકીલોએ નિર્ધારિત સમયમર્યાદામાં જ પોતાની મૌખિક દલીલો રજૂ કરવી પડશે અને તેનું કડક પાલન કરવું પડશે.

આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે કેટલાક ગંભીર કેસોમાં રાત્રે સુનાવણી કરી છે. ૨૦૦૫-૦૬માં નિઠારી કાંડ, ૧૯૯૨માં અયોધ્યા વિવાદ, ૨૦૧૮માં કર્ણાટક સરકારનો મામલો અને ૧૯૯૩માં યાકુબ મેમણની ફાંસીના કેસમાં સુપ્રીમ કોર્ટે મધરાતે સુનાવણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.