ગુજરાતના આચાર્ય રણછોડલાલજીના ગ્રંથ “રામવલ્લભ”નું વર્લ્ડ રામાયણ કોન્ફરન્સમાં લોકાર્પણ કરાશે
અમદાવાદ, મધ્યપ્રદેશના જબલપુર ખાતે ચોથી વર્લ્ડ રામાયણ કોન્ફરન્સ નું આયોજન દિનાંક ૨-૩-૪ જાન્યુઆરી ૨૦૨૬ નાં રોજ યોજાશે જેમાં વિશ્વભરના ધર્માચાર્યો, સંત-મહંતો, વિદ્વાનો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રામાયણ જેવા મહાન વિષય પર મહામંથન કરવામાં આવશે.
ગુજરાત માં અમદાવાદ ખાતે પ્રથમ ગૃહનિધિ શ્રીનટવરલાલજી મંદિર – આચાર્ય શ્રીગોપીનાથજી જ્યોતિષ્પીઠ – ગોસ્વામી હવેલી નાં આચાર્યશ્રી રણછોડલાલજી દિગ્ગજ ધર્માચાર્ય સાથે સાથે વિરલ રચનાકાર, વાગ્ગેયસંગીતકાર અને સાહિત્યકાર પણ છે. તેઓ દ્વારા અત્યાર સુધીમાં ૮ પ્રકાશિત ગ્રંથો તથા વીસ હજાર થી પણ વધુ કૃતિઓ નું યોગદાન આપવામાં આવ્યું છે.
વર્લ્ડ રામાયણ કોન્ફરન્સ નાં આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત નાં યુવા ધર્માચાર્ય રચનાકાર શ્રીરણછોડલાલજી રચિત “રામવલ્લભ” ગ્રંથ નું વિમોચન ૪/૧/૨૬ નાં રોજ માનસ ભવન – જબલપુર ખાતે થશે.
આ ગ્રંથમાં આચાર્યશ્રી દ્વારા રચિત રામ ૧૦૮ નામાવલી નું સંસ્કૃત સ્તોત્ર- રામવલ્લભ, તે નામોં પર દેવનાગરી ભાષા નાં સંગીતબદ્ધ કીર્તનો તથા તે બધાં જ સાહિત્યનું અંગ્રેજી અને હિંદી અનુવાદ પણ પ્રકાશિત કરવામાં આવશે. આ સમગ્ર પ્રકાશન વિદ્યા વિભાગ ગોસ્વામી હવેલી દ્વારા કરવામાં આવેલ છે. ગુજરાતી સનાતન ધર્મ તથા વૈષ્ણવ સમાજ ની સાથે સાથે સમસ્ત સાહિત્ય સંગીત જગત ની પણ દૃષ્ટિ આ બાબતે ઉત્સુકતા રાખતી જણાય છે.
આ ગ્રંથ બાબતે આચાર્યશ્રી ને ઘણી બધી સંસ્થાઓ, મહાનુભાવો તેમજ વિદ્વાનો ની શુભેચ્છાઓ પણ મળી રહી છે. ૧ થી ૪ જાન્યુઆરી દરમ્યાન આચાર્યશ્રીનાં જબલપુર માં ગોપાલ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો – વચનામૃત સત્રો પણ યોજાશે.
