ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી સુરત બનશે
file Photo
મુખ્યમંત્રીએ રાજ્યના એવા તમામ નાગરિકો જેમને માથે છત નથી, તેમને ઘર પૂરા પાડવાના આદેશ અપાયા હોવાની માહિતી આપી છે
ગાંધીનગર, મળેલી કેબિનેટની મહત્વની બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ અને કૃષિ ક્ષેત્રે મોટા એલાન કરવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે, સુરત હવે ગુજરાતનું પ્રથમ એવું શહેર બનશે જે સંપૂર્ણપણે ‘સ્લમ ફ્રી’ (ઝૂંપડપટ્ટી મુક્ત) હશે. આ સાથે જ કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પ્રભાવિત ખેડૂતો માટે પણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
કેબિનેટ બેઠક બાદ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યના એવા તમામ નાગરિકો જેમને માથે છત નથી, તેમને ઘર પૂરા પાડવાના આદેશ અપાયા હોવાની માહિતી આપી છે. સાથે જ સુરત શહેરને ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી હોવાના સંકેતો પ્રવક્તા મંત્રીએ આપ્યા છે. સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને આધુનિક સુવિધાઓ સાથેના પાકા મકાનો આપી તેમને મુખ્યધારામાં લાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે.
રાજ્યમાં તાજેતરમાં સર્જાયેલા મિનિ વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જે અંગે જીતુ વાઘાણીએ આપેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ૨૯ લાખથી વધુ ખેડૂતોને કુલ ૮૫૧૯ કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે.
વધુમાં હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી પુરજોશમાં ચાલી રહી છે. તેમાં હાલ સુધીમાં અંદાજે ૧૪ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ ગઈ છે, જેમાંથી ૩.૭૯ લાખ ખેડૂતો પાસેથી રૂ. ૬૩૬૨ કરોડથી વધુની ખરીદી કરી લેવાઈ છે. આમ મગફળી, અડદ, મગ અને સોયાબીન જેવી જણસી પાકની ખરીદી પેટે કુલ રૂ. ૬૫૭૩ કરોડથી વધુની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં (ડ્ઢમ્્) જમા કરવામાં આવી છે.
વધુમાં હવામાન વિભાગની આગાહીને પગલે કેબિનેટ બેઠકમાં આગમચેતીના પગલાં અંગે પણ ચર્ચા થઈ હતી. જે અંગે પ્રવક્તા મંત્રીએ કહ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા, મોરબી, જામનગર, પાટણ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન ન થાય તે માટે કૃષિ વિભાગ દ્વારા સાવચેતીના સૂચનો જારી કરવામાં આવ્યા છે અને ખેત-ઉત્પન્ન બજાર સમિતિઓને પણ માલ સલામત સ્થળે રાખવા જણાવાયું છે.
