સાવલી-સાંકરદા રોડ પર પસાર થતા ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળી
આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે, ડમ્પરનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો
વડોદરા, વડોદરા જિલ્લાના સાવલી-સાંકરદા રોડ પર બુધવારે એક ભયાનક દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ડમ્પરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડમ્પર અગનગોળામાં ફેરવાઈ ગયું હતું, જેને પગલે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.
જે સમયે આગ લાગી ત્યારે ડમ્પરમાં ડ્રાઈવર અને ક્લીનર સવાર હતા. આગની તીવ્રતા વધે તે પહેલા જ બંનેએ સતર્કતા વાપરી ચાલુ ડમ્પરમાંથી નીચે ઉતરી ગયા હતા. સમયસૂચકતાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, અને બંને સહીસલામત હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ઘટનામાં ડમ્પર બળીને ખાખ થઈ ગયું છે.
રસ્તાની મધ્યમાં ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ જોઈને રસ્તે પસાર થતા લોકો ડઘાઈ ગયા હતા. આગને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. લોકોએ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે, ડમ્પરનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ, આ આગ લાગવાનું મુખ્ય કારણ ઇલેક્ટિÙક શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત અથવા એન્જિનમાં ઓવરહિટીંગને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આ કિસ્સામાં ટેકનિકલ ખામી જવાબદાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.
