બાળકીઓ પાસે ચોરી કરાવતી મહારાષ્ટ્રની ગેંગ ઝડપાઈ
સુરત, સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડનો લાભ લઈ લાખોની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત ‘પારધી ગેંગ’નો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે પર્દાફાશ કર્યાે છે.
આ ગેંગની સૌથી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી એ હતી કે, મા-બાપ પોતે જ પોતાની સગીર બાળકીઓને ચોરીના રવાડે ચડાવતા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને એક ઇન્સ્ટાગ્રામ આઈડીની મદદથી પોલીસે આખી ગેંગને દબોચી લીધી છે.ગત ૧૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ રાજસ્થાનથી આવેલા વૃદ્ધ દંપતી નેમીચંદ જૈન અને ઉમરાવદેવી સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર ઉતર્યા હતા.
જ્યારે તેઓ લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ લઈ બે નાની બાળકીઓએ ઉમરાવદેવીના પર્સમાંથી અંદાજે ૧૫.૬૦ લાખના સોનાના દાગીના ભરેલું પાકીટ સેરવી લીધું હતું.ગુજરાત રેલવે પોલીસના એસટી અભય સોનીએ કહ્યું કે, ચોરી બાદ જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો બે બાળકીઓ એક સ્ત્રી-પુરુષ સાથે બહાર નીકળતી દેખાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ પરિવાર પાંડેસરામાં રહેતો હતો પણ ઘટના બાદ ગાયબ હતો.
પોલીસે જ્યારે ઊંડી તપાસ કરી ત્યારે એક શકમંદનું ઈન્સ્ટાગ્રામ આઇડી મળી આવ્યું હતું. આ આઈડીના લોકેશન અને આઈપી એડ્રેસના આધારે પોલીસ મહારાષ્ટ્રના અમરાવતી સુધી પહોંચી હતી, જેવી આ ગેંગ ફરી સુરત આવી, પોલીસે પ્લેટફોર્મ નંબર ૧ પાસેથી દંપતી અને ૪ બાળકીઓને ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપી ટીના ઉર્ફે અંજુ શિંદે અને તેના પતિ સુમિત કાલેએ કબૂલાત કરી હતી કે, તેઓ સ્ટેશન પર ફુગ્ગા કે રમકડાં વેચવાનો ઢોંગ કરતા હતા.
પોતાની ૯ અને ૭.૫ વર્ષની દીકરીઓ પાસે ભીખ મંગાવતા અને તેમને જ ચોરી કરવાની ટ્રેનિંગ આપી હતી.આ ગેંગ પાસેથી ચોરીનું સોનુ અને ચોરીના સંખ્યાબંધ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.ચોરેલા દાગીના આ ગેંગ અમરાવતીના સોની પવન મહેશજી ભિંડાને વેચતી હતી. પોલીસે અમરાવતી જઈ સોનીની ધરપકડ કરીને સોનું રિકવર કર્યુ છે.SS1MS
