શ્રીલંકાએ ભારતના ફિલ્ડિંગ કોચ શ્રીધર સાથે કરાર કર્યા
કોલંબો, શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરની ફિલ્ડિંગ કોચ તરીકે વરણી કરી છે. આમ આર. શ્રીધર ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારા ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે ફરજ બજાવશે. આર. શ્રીધર અગાઉ ૨૦૧૪થી ૨૦૨૧ના ગાળામાં ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ રહી ચૂક્યા હતા. તેમણે આ વર્ષે શ્રીલંકામાં નેશનલ હાઈ પરફોર્મન્સ ખાતે દસ દિવસનો સ્પેશિયલ ફિલ્ડિંગ કેમ્પ પણ યોજ્યો હતો.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે શ્રીધરની નિયુક્તિ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. તેઓ આઇસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ સુધી ટીમના ફિલ્ડિંગ કોચ રહેશે. બીસીસીઆઈના લેવલ-૩ ક્વોલિફાઈડ કોચ શ્રીધર આ અગાઉ ૨૦૧૪થી ૨૦૨૧ સુધી ભારતીય ટીમની સાથે રહી ચૂક્યા છે.
આ દરમિયાન તેમણે ૩૦૦થી વધુ ઇન્ટરનેશનલ મેચમાં સેવા આપેલી છે. તેઓ હવે શ્રીલંકન ટીમના ફિલ્ડિંગ સ્તરને ઉપર લાવવા પ્રત્યે ફોકસ કરશે. ટી૨૦ વર્લ્ડ કપ ઉપરાંત શ્રીધર પાકિસ્તાન અને ઇંગ્લેન્ડના આગામી પ્રવાસ દરમિયાન પણ ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે ફરજ બજાવશે તેમ શ્રીલંકન બોર્ડે જણાવ્યું હતું.આર. શ્રીધરની વરણી ૧૧મી ડિસેમ્બરથી અમલી બની છે અને દસમી માર્ચ સુધી તેઓ આ કામગીરી અદા કરશે. આ ગાળામાં શ્રીલંકામાં ત્રિકોણીય સિરીઝ યોજાનારી છે જેમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન ભાગ લેવાના છે.
શ્રીધરે જણાવ્યું હતું કે “મારી ભૂમિકા કોઈ સિસ્ટમ લાદવાની નથી, પરંતુ એવા વાતાવરણને પોષવાની છે જ્યાં રમતગમત, જાગૃતિ અને મેદાનમાં કૌશલ્ય કુદરતી રીતે વિકસી શકે. જ્યારે ખેલાડીઓ બોલ સાથે, એકબીજા સાથે અને ક્ષણ સાથે જોડાયેલા અનુભવે છે ત્યારે ફિલ્ડિંગ ખીલે છે.”SS1MS
