Western Times News

Gujarati News

અમેરિકાને યુક્રેનના ડ્રોન હુમલાના કોઈ પુરાવા ન મળ્યાં

નવી દિલ્હી, રશિયાએ તાજેતરમાં યુક્રેન પર પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ૯૧ ડ્રોનથી હુમલો કરવાનો આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી. જોકે, હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. એક અમેરિકન અખબારના અહેવાલ મુજબ, અમેરિકાને આ કથિત હુમલાનો કોઈ પુરાવો મળ્યો નથી, જેનાથી રશિયાના દાવાઓ પર ગંભીર સવાલો ઉભા થયા છે.

‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના એક રિપોર્ટ અનુસાર, અમેરિકન સુરક્ષા અધિકારીઓને પુતિન કે તેમના કોઈપણ ઘરને નિશાન બનાવવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે સીઆઈએ જેવી એજન્સીઓએ રશિયન દાવાઓની પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તેમને પુતિન કે તેમના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો કોઈ સુરાગ મળ્યો નથી.

અમેરિકાના અધિકારીઓએ ગુપ્ત માહિતીનું વિશ્લેષણ કર્યા બાદ તારણ કાઢ્યું છે કે પુતિનના જીવને કોઈ ખતરો નહોતો. આ અહેવાલ રશિયાના દાવાઓ માટે એક મોટો આંચકો સાબિત થઈ શકે છે.

આ પહેલા, સોમવારે રશિયાએ દાવો કર્યાે હતો કે યુક્રેને મોસ્કોના ઉત્તરમાં આવેલા નોવગોરોડ ક્ષેત્રમાં સ્થિત વ્લાદિમીર પુતિનના સ્થાયી નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો. રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે એક નિવેદનમાં કહ્યું હતું કે રવિવાર અને સોમવારની રાત્રે થયેલા આ હુમલામાં ૯૧ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ રશિયન સંરક્ષણ પ્રણાલીએ તમામ ડ્રોનને તોડી પાડ્યા હતા, જેના કારણે કોઈ નુકસાન થયું ન હતું.

રશિયાએ ચેતવણી આપી હતી કે તે યોગ્ય સમયે આ હુમલાનો જવાબ આપવાનો અધિકાર અનામત રાખે છે.રશિયા પોતાના દાવા પર અડગ છે અને બુધવારે તેના સંરક્ષણ મંત્રાલયે એક વીડિયો ફૂટેજ પણ જારી કર્યું હતું, જેમાં કથિત રીતે તોડી પાડવામાં આવેલા યુક્રેનિયન ડ્રોનનો કાટમાળ બતાવવામાં આવ્યો હતો.યુક્રેને રશિયાના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ કીવ અને અમેરિકા વચ્ચે તણાવ પેદા કરવા અને શાંતિ વાર્તાને નબળી પાડવા માટે આ ખોટો દાવો કર્યાે છે.

બીજી તરફ, રશિયાએ દાવો કર્યાે હતો કે આ સમાચાર સાંભળીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ નારાજ થયા હતા. જોકે, બુધવારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક એડિટોરિયલ શેર કર્યું હતું જેમાં યુક્રેનમાં શાંતિના પ્રયાસોમાં અવરોધ પેદા કરવા માટે રશિયા પર જ આરોપ લગાવવામાં આવ્યો હતો, જે રશિયાના દાવાથી વિપરીત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.