ભૂતપૂર્વ ઓસી. ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાં સરી પડ્યો
મુંબઈ, ઓસ્ટ્રેલિયનો પૂર્વ સ્ટાર ક્રિકેટર ડેમિયન માર્ટિન હાલમાં મેનિનઝાઈટિસ જેવી જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેને ઈન્ડ્યૂસ્ડ કોમા (કૃત્રિમ કોમા)માં રાખવામાં આવ્યો છે. ૫૪ વર્ષીય માર્ટિનને ૨૬ ડિસેમ્બરના રોજ તબિયત લથડતા ગંભીર હાલતમાં બ્રિસ્બેનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
માર્ટિનને મેનિનઝાઈટિસ છે, આ બીમારીમાં વ્યક્તિના મગજ અને કરોડરજ્જુની આસપાસના પટલમાં સોજો આવી જાય છે. તે મગજમાં સોજાનું કારણ બની શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન અને માર્ટિનના નજીકના મિત્ર એડમ ગિલક્રિસ્ટે તેમના પરિવાર વતી જનતાને માહિતી આપી હતી કે માર્ટિનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગિલક્રિસ્ટે કહ્યું કે, ‘માર્ટિનને ખૂબ સારી સારવાર મળી રહી છે અને અમાન્ડા (માર્ટિનની પાર્ટનર) અને તેનો પરિવાર જાણે છે કે ઘણા લોકો તેના માટે પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ ટાડ ગ્રીનબર્ગે પણ માર્ટિનના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.’ડેમિયન માર્ટિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ ૧૯૯૨માં બ્રિસ્બેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કર્યું હતું, જેમાં બંને ઈનિંગ્સમાં તેણે ૩૬ અને ૧૫ રન બનાવ્યા હતા. પોતાના કરિયર દરમિયાન માર્ટિન પોતાની સુંદર અને સ્ટાઈલિશ બેટિંગ માટે જાણીતો હતો.
તેણે ઓસ્ટ્રેલિયા માટે ૬૭ ટેસ્ટ અને ૨૦૮ વનડે મેચ રમી છે. જમણા હાથના બેટ્સમેન ડેમિયન માર્ટિન ૧૯૯૦ના દાયકાના અંત અને ૨૦૦૦ના દાયકામાં ઓસ્ટ્રેલિયાના દબદબા વાળા સમયમાં મિડલ ઓર્ડરનો મજબૂત ખેલાડી રહ્યો છે. તે ૧૯૯૯ અને ૨૦૦૩ના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો હતો. ૨૦૦૩ વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માર્ટિને અણનમ ૮૮ (૮૪ બોલ) રન બનાવ્યા અને કેપ્ટન રિકી પોન્ટિંગ (૧૨૧ બોલમાં ૧૪૦) સાથે ૨૩૪ રનની જંગી પાર્ટનરશિપ કરી.
આ શાનદાર પાર્ટનરશિપના દમ પર ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૩૫૯/૨ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. માર્ટિન ૨૦૦૬ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો, તેણે પાંચ ઈનિંગ્સમાં ૮૦.૩૩ની એવરેજથી ૨૪૧ રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ છે.આ ઉપરાંત ભારતમાં ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક ૨-૧થી ટેસ્ટ સીરિઝ જીતમાં પણ માર્ટિને મોટું યોગદાન આપ્યું હતું. તેણે આ સીરિઝમાં સૌથી વધુ ૪૪૪ રન બનાવ્યા હતા.SS1MS
