કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં ઈશાની દવેએ પ્રેક્ષકોના દિલ જીતી લીધાં
શિક્ષણમંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા
મનોરંજન સભર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે કાંકરિયા કાર્નિવલનું રંગારંગ સમાપન
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ–૨૦૨૫ના અંતિમ દિવસે શિક્ષણમંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો.
સમાપન સમારોહ અંતર્ગત મંત્રીશ્રી અન્ય ઉપસ્થિત મહાનુભાવો સાથે ભગવાન શ્રી રામની ભવ્ય આરતીમાં સહભાગી થયા હતા. કાર્નિવલની અંતિમ સંધ્યાએ રજૂ થયેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ મંત્રીશ્રીએ નિહાળી હતી.

કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં મેયર શ્રી પ્રતિભાબહેન જૈને જણાવ્યું હતું કે કાંકરિયા કાર્નિવલમાં સાત દિવસમાં ૮ લાખથી વધુ નાગરિકોની હાજરી સૂચવે છે કે આ ઉત્સવ અમદાવાદીઓના દિલમાં વસે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલો આ કાર્નિવલ આજે અમદાવાદની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક બન્યો છે. આ આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા, આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે.
મેયરશ્રીએ કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું કે, ‘લવેબલ અને લિવેબલ’ અમદાવાદના સર્વાંગી વિકાસ માટે આ કાર્નિવલ એક મજબૂત માધ્યમ બન્યો છે, જે આગામી વર્ષોમાં વધુ ભવ્ય અને યાદગાર બનતો રહેશે.
કાંકરિયા કાર્નિવલ–૨૦૨૫ના સમાપન સમારંભ અંતર્ગત આયોજિત ભવ્ય સંગીત સંધ્યામાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ સુમધુર અવાજમાં ગીતો રજૂ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. આ ઉપરાંત, કલ્પેશ ખારવા દ્વારા લાઈવ સિંગિંગ પર્ફોમન્સ તેમજ ડી.જે અમિત કોચર દ્વારા ડી.જે નાઈટના કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલ–2025નું ઉત્સાહભર્યું અને યાદગાર સમાપન રહ્યું હતું.
કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તથા હોદ્દેદારો, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓએ અને સભ્યો સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
