બીડી, સિગરેટ, પાન મસાલા મોંઘા થશે! લાગૂ થશે નવો ટેક્સ અને સેસ
પ્રતિકાત્મક
(એજન્સી)નવી દિલ્હી, સિગારેટ, બીડી, પાન મસાલા વગેરે જો તમારી લાઈફ સ્ટાઈલનો એક મહત્વનો ભાગ હોય અને તમને તેની આદત હોય તો તમારા માટે માઠા સમાચાર આવ્યા છે. કારણ કે આ આદત તમને હવે મોંઘી પડી શકે છે. સરકારે તમાકુના ઉત્પાદનો પર એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી લાદી છે.
જે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી લાગૂ થશે. આ ઉપરાંત પાન મસાલા પર એક નવો સેસ લગાવવામાં આવ્યો છે અને તે પણ ૧ ફેબ્રુઆરીથી જ લાગૂ થશે. એટલે કે ૧ ફેબ્રુઆરીથી સિગરેટ, બીડી, પાન મસાલા જેવા તમાકુના ઉત્પાદનો મોંઘા થશે.
આ વધારાની એક્સાઈઝ ડ્યૂટી ૪૦ ટકા જીએસટીથી અલગ છે. પાન મસાલા પર કેન્દ્ર સરકારે સેસ પણ લગાવ્યો છે. તે પણ ૪૦ ટકા જીએસટી દરથી અલગ છે. નવા નિયમો હેઠળ સરકારે પેકિંગ મશીનોની સહાયતાથી નિર્મિત અને પાઉચમાં પેક કરાયેલા ચાવવાના તમાકુ, જર્દા, સુગંધિત તમાકુ અને ગુટકાના કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટી અધિનિયમની કલમ ૩ એ હેઠળ નોટિફાય કર્યું છે.
નવા નિયમ હેઠળ સિગરેટની લંબાઈના આધારે દર ૧૦૦૦ સ્ટિક્સ પર ૨૦૫૦ રૂપિયાથી લઈને ૮૫૦૦ રૂપિયા સુધીની એક્સાઈઝ ડ્યૂટી લાગૂ થશે. તેના ઉપર ૪૦ ટકા જીએસટી પણ લાગૂ કરાશે એટલે કે તેની કિંમત બમણી થઈ શકે. આ ફેરફાર સાથે સરકારનો હેતુ તમાકુ પ્રોડક્ટ્સ પર ટેક્સ વ્યવસ્થાને વધુ મુશ્કેલ કરવાનો છે. જ્યાં સિગરેટ અને પાન મસાલા પર ૪૦ ટકા જીએસટી લાગશે ત્યાં બીડી પર ટેક્સ ૧૮ ટકા રખાયો છે.
આ ઉપરાંત પાન મસાલા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પર નવો હેલ્થ અને નેશનલ સિક્્યુરિટી સેસ પણ લાગૂ કરાશે. આ સેસ મશીનોની ક્ષમતાના આધાર પર વસૂલ કરાશે. આ નિર્ણય ટેક્સ ચોરીને રોકવા માટે લેવાયો છે. કેન્દ્ર સરકારે સિન ગુડ્સ પર ૪૦ ટકા ટેક્સ લાગૂ કર્યો છે.
પરંતુ હવે તેના પર લાગતા જૂના કંમ્પન્સેશન સેસને ખતમ કરવાનું નક્કી કર્યું છે. જો કે તેની જગ્યાએ આ નવો સેસ લાગૂ થશે. જે હેલ્થ અને નેશનલ સિક્યુરીટી સેસ તથા એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી હશે. આ ફેરફાર ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી લાગૂ થશે.
