શેરબજારમાં ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી CA સાથે 25 લાખની ઠગાઈ
મોડાસાના ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે સાયબર ગેંગે રૂ.ર૪.૭૩ લાખની ઠગાઈ કરી
શામળાજી, અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે મોડાસા શહેરમાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટને સાયબર ક્રાઈમ ગેંગની યુવતીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી શેર બજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપી રોકાણ સામે ઉંચો નફો અને વધુ વ્યાજની લાલચ આપી
સાયબર ગેંગે ચાર્ટડ એકાઉન્ટન્ટને રૂ.ર૪.૭૩ લાખનો ચૂનો ચોપડતા સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પી.આઈ. બી.કે.વાઘેલા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસીસના આધારે મહારાષ્ટ્રના મુમ્બ્રાના સાયબર ગેંગના સાગરિતને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શેર ટ્રેડિંગ, મ્યુચ્યુઅલ ફંડ અને આઈપીઓ લોકોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. પરંતુ આ વધતી લોકપ્રિયતાની સાથે સાઈબર ઠગો વધુ એક્ટિવ થઈ ગયા છે.
મોડાસા શહેરના સાઈ મંદિર વિસ્તારમાં રહેતા અને નવસારીના ચાર્ટડ એકાઉન્ટન્ટ વિશાલ ચંદુલાલ અઢિયાને સોશ્યલ મીડિયા મારફતે સાયબર ક્રાઈમ ગેંગની સાગરિત યુવતીએ સંપર્ક કરી વાતોમાં ભોળવી શેર બજારમાં રોકાણ કરવાનુ કહી ઉંચો નફો આપવાનું જણાવી
વિશ્વાસમાં લીધા પછી ચાર્ટડ એકાઉન્ટન્ટને શેર માર્કેટમાં રોકાણ કરાવી શરૂઆતમાં તેમના એકાઉન્ટમાં રોકાણ સામે ઉંચુ વળતર મળતા ચાર્ટડ એકાઉન્ટ લાલચમાં આવી જતા સાયબર ક્રાઈમ ગેંગે તેમને શેર અને આઈપીઓમાં રોકાણ કરવાનું કહી ધીરે ધીરે જુદા- જુદા ખાતામાં ર૪.૭૩ લાખ રૂપિયા ખંખેરી લેતા વિશાલ અઢિયાને સાયબર ક્રાઈમ ગેંગનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતાં
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી સાયબર ફ્રોડના રૂપિયા જમા થનાર સાયબર ગેંગના સાગરિત ખાતા ધારક મહારાષ્ટ્રના જાહીદઅલી ગુલામઅબ્બાસ પૂંજાની (રહે. રોયલ ગાર્ડન ફલેટ, મુંબ્રા- થાણે)ને દબોચી લઈ સાયબર ગેંગના મુખિયા અને તેના અન્ય સાગરિતોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
