અમદાવાદ સિવિલમાંથી ભાગેલા રીઢા ગુનેગાર કપડવંજની હોટલમાં આરામ કરતો હતોઃ પોલીસે ઝડપ્યો
ગુજરાતભરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ૨૧ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.-પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ રીઢા આરોપીને કપડવંજ પોલીસે હોટલમાંથી ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન પોલીસ જાપ્તાને થાપ આપી ફરાર થયેલા અને રાજ્યભરમાં ૨૧ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને કપડવંજ ટાઉન પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી ઝડપી પાડ્યો છે.
આરોપી કપડવંજ-નડીયાદ રોડ પર આવેલી એક હોટલમાં રોકાયો હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે સર્વેલન્સ સ્ટાફ સાથે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો.
મળતી માહિતી મુજબ કઠલાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનાના આરોપી પ્રતિકકુમાર ઉર્ફે પિન્ટુ રમણભાઈ ડાભી (રહે. કાકરખાડ, સિધ્ધનાથપુરા, તા. કઠલાલ) ને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ગત તારીખ ૩૦/૧૧/૨૦૨૫ ના રોજ આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૬૨ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન કપડવંજ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આ આરોપી કપડવંજ-નડીયાદ રોડ ઉપર આવેલ ક્રીશીવ પ્લાઝામાં ન્યૂ વિનય હોટલ ખાતે રોકાવવા માટે આવ્યો છે અને ત્યાંથી અન્ય સ્થળે ભાગવાની ફિરાકમાં છે.
આ હકીકતના આધારે કપડવંજ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી વર્કઆઉટ કરી આરોપી પ્રતિકકુમાર ઉર્ફે પિન્ટુ ડાભીને કોર્ડન કરી ઝડપી લીધો હતો.
પકડાયેલ ૨૮ વર્ષીય આરોપી પ્રતિકકુમાર સામે ગુજરાતભરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ૨૧ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. કપડવંજ ટાઉન પોલીસે હાલ આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૫(૧)(જે) મુજબ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને આરોપીનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
