રવિ સીઝનમાં ગુજરાતના ખેડૂતોએ ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકોનું કર્યું વિક્રમી વાવેતર
સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં ૯૬ ટકા એટલે કે, ૪૪.૭૪ લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન
ચાલુ સીઝનમાં ચણાના વાવેતરમાં ૧૩ ટકા અને બટાટાના વાવેતરમાં ૧૮ ટકા વૃદ્ધિ નોંધાઈ –ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયાં પાકો અને મસાલા પાકોનું પણ પુષ્કળ વાવેતર
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં ખરીફ સીઝન બાદની મહત્વની ગણાતી રવિ કૃષિ સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે ચાલુ વર્ષે રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ ૪૬.૪૩ લાખ હેક્ટર રહ્યો છે, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ ૯૬ ટકાથી વધુ એટલે કે, ૪૪.૭૪ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રવિ પાકોનું વાવેતર ચાલુ હોવાથી વાવેતરનો આંકડો વધવાની પૂર્ણ સંભાવના છે.
ભારતના કુલ ઘઉં ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો મહત્વપૂર્ણ છે. રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. એ જ અનુક્રમ જાળવી રાખતા આ વર્ષે પણ ગુજરાતમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૩.૨૪ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. ઘઉં સહિત રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ ૧૪.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
આ વર્ષે રાજ્યમાં કઠોળ પાકોમાં ચણાનું પણ મબલખ વાવેતર નોંધાયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે ૭.૪૮ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે ૧૩ ટકાની વૃદ્ધિ સાથે અત્યાર સુધીમાં કુલ ૮.૪૭ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે, ચણા સહિત કઠોળ પાકોનું રાજ્યમાં ૧૧ ટકાની વૃદ્ધિ સાથે ૮.૯૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
તેવી જ રીતે, અત્યાર સુધીમાં રાજ્યમાં જીરા જેવા મસાલા પાકોનું ૩.૭૫ લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ રાઈ જેવા તેલીબિયાં પાકોનું કુલ ૨.૭૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.
આટલું જ નહીં, ગુજરાતમાં ચાલુ રવિ સીઝન દરમિયાન બટાટાનું પણ મબલખ વાવેતર જોવા મળ્યું છે. બટાટા પાકનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આશરે ૧.૪૦ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮ ટકાની વૃદ્ધિ સાથે કુલ ૧.૬૬ લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર નોંધાયું છે.
રવિ સીઝનની આ વાવણી પ્રક્રિયા જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધી ચાલુ રહેશે. રાજ્યમાં થયેલા આ મબલખ વાવેતરને પગલે આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના સેવાઈ રહી છે.
