યુએસ નાગરિક સાથે લગ્ન માત્રથી ગ્રીન કાર્ડ મેળવવું સરળ નહીં રહે
વોશિંગ્ટન, યુએસમાં ઈમિગ્રન્ટ્સ ગ્રીન કાર્ડ થકી યુએસ નાગરિક જેટલા નહીં પરંતુ મોટાભાગના હકો મેળવી શકે છે. અત્યાર સુધી અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવવું સૌથી સરળ વિકલ્પ હતો.
પરંતુ ઈમિગ્રેશન એટર્નીના જણાવ્યા મુજબ હવે માત્ર અમેરિકન નાગરિક સાથે લગ્નના બંધનમાં બંધાવાથી ઈમિગ્રન્ટને ગ્રીન કાર્ડની મળે તેની ગેરન્ટી નથી. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસના મતે યુએસ નાગરિકના જીવનસાથી નજીકના સંબંધીની શ્રેણીમાં આવે છે.
કાયદા મુજબ અમેરિકન નાગરિકના પતિ કે પત્ની સહિતના નજીકના સંબંધી ગ્રીન કાર્ડ માટે અરજી પાત્ર છે. ઈમિગ્રેશન એટર્ની બ્રાડ બર્નસ્ટેઈને ચેતવણી સાથે કહ્યું કે, ફક્ત યુએસ નાગરિક સાથે લગ્નથી હવે ગ્રીન કાર્ડ મળવાની કોઈ ખાતરી નથી.
લગ્નજીવન અંગે અધિકારી ઊંડાણપૂર્વક તપાસ કરશે અને સંતુષ્ટ થયા બાદ જ અરજી અંગે નિર્ણય કરાશે.ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા તમામ લગ્ન આધારિત ગ્રીન કાર્ડ અરજીની ઝિણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ લગ્ન ખરેખર સાચા છે કે માત્ર કાયદાકીય દૃષ્ટિથી કરાયા છે તેની ખાતરી કરવા પર ભાર આપી રહ્યા છે.
ગ્રીન કાર્ડ અરજીઓની તપાસ ટ્રમ્પ તંત્રની કડક કામગીરીનો ભાગ છે. તાજેતરમાં જ સુરક્ષાના કારણોથી અમેરિકાએ ડાયવર્સિટી વિઝા (ડીવી) લોટરી પદ્ધતિને સ્થગિત કરવા નિર્ણય લેવાયો હતો. લોટરી પદ્ધતિથી યુએસ પ્રતિ વર્ષ ૫૦,૦૦૦ ઈમિગ્રન્ટ્સને વિઝા આપતું હતું.
માત્ર સંબંધને આધારે ગ્રીન કાર્ડ મળી શકતું નથી, સાથે રહેવાથી મળે છે તેમ બર્નસ્ટેઈને ઉમેર્યું હતું. તેમણે સાવચેતીના સ્વરમાં જણાવ્યું કે, લગ્ન બાદ અલગ રહેતા યુગલોની અરજી રદ થવાનું સૌથી વધુ જોખમ છે. જો જીવનસાથી ઘરમાં સાથે નથી રહેતા તો ગ્રીન કાર્ડ મેળવવું સ્વપ્ન સમાન બની રહેશે. તેમના મતે સહવાસ મુખ્ય પરિબળ છે.
લગ્નના કેસોમાં જીવનસાથી કામ, આજીવિકા અથવા સુવિધા માટે અલગ રહેતા હોય તેની ઈમિગ્રેશન અધિકારી પરવા કરશે નહીં.યુએસ નાગરિક સાથે લગ્ન કરીને ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવા અંગે નિયમો કડક થશે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ અધિકારીઓ આવા કેસમાં લગ્ન સંબંધની સંપૂર્ણતાનું મૂલ્યાંકન કરશે. લગ્ન ફક્ત ઈમિગ્રેશન લાભ માટે જ નથી કરાયા તે બાબતની તપાસ ઉપરાંત લગ્ન ખરેખર સારા હેતુથી કર્યા છે તેની ખાતરી બાદ જ ગ્રીન કાર્ડ માટેની અરજી પર વિચારણા કરાશે.SS1MS
