વિરમગામ, દેત્રોજ, માંડલ તાલુકાઓના વિકાસ માટે 497 કરોડ ખર્ચાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને વિઝન સાથે નવા વર્ષની વિકાસ ભરી શરૂઆત: વિરમગામ વિધાનસભા વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સંપન્ન
એક સમયે ટાંચા સંસાધનો-વરસાદ આધારિત ખેતી અને રોજગારી માટે યુવાનોનું સ્થળાંતર ધરાવતો માંડલ વિરમગામ બેચરાજી વિસ્તાર વડાપ્રધાનશ્રીના વિકાસ વિઝનથી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ઓટો હબ બન્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 2026ના વર્ષના પ્રથમ દિવસે વિરમગામ વિધાનસભા મત વિસ્તારના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ્વે, ઓવરબ્રીજ સહિતના 497 કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી આ અવસરે જન મેદનીને સંબોધતા કહ્યું કે, એક સમયે ટાંચા સંસાધનો, વરસાદ આધારિત ખેતી, રોજગારી માટે યુવાઓનું સ્થળાંતર જેવી વિકટ સ્થિતી ધરાવતો માંડલ-બેચરાજી-વિરમગામ વિસ્તાર આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ વિઝનથી એસ.આઇ.આર. અને ઓટો હબ બની ગયો છે.
આ સંદર્ભમાં શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, છેવાડાના માનવીના હિતનો સંકલ્પ અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વિકાસની ચરમ સીમાનું ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપે પૂરું પાડ્યું છે.
તેમણે કહ્યું કે, વિકાસની રાજનીતિનો જે અભિગમ વડાપ્રધાનશ્રીએ અપનાવ્યો છે તેને હવે તો સૌ સ્વીકારતા થયા છે અને બિહારની તાજેતરની ચૂંટણીના પરિણામો તેનો આદર્શ દાખલો છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં પાછલા અઢી દાયકા કરતાં વધુ સમયથી શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી સહિતના જે વિકાસ કામો ડબલ એન્જિન સરકારની સ્પીડથી થયા છે તેનાથી ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, કનેક્ટિવિટી સુદૃઢ બનાવવા માટે રોડ રેલવે સહિતના અનેક કામો વિરમગામ-માંડલ વિસ્તારમાં થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ માંડલ-બેચરાજી SIRને જોડતા રોડ, રસ્તા અને બ્રીજના ₹૪૮૮ કરોડના કામો પૂર્ણ કર્યા છે. SIR સાથે જોડાતા ધોરીમાર્ગો, પરિવહન માળખાના વિકાસ અને ફોરલેન રોડ તથા રેલવે ઓવરબ્રિજના લીધે આ વિસ્તારના વિકાસને નવી દિશા અને નવી ગતિ મળશે. રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી કોકતા ફાટક પર વર્ષોથી ચાલતી ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે, જેનાથી આશરે ૧ લાખ નાગરિકોના સમય અને ઈંધણની બચત થશે.
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની ગતિ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ વિવિધ એક્સપ્રેસ વે, કોરિડોર અને વ્યૂહાત્મક પુલ, ટનલના કાર્યો પૂર્ણ થયા છે. ૨૦૧૪ પહેલા રોજના ૧૨ કિમી હાઈવે બનતા હતા, તેની સામે આજે રોજ ૩૪ કિમી હાઈવે બની રહ્યા છે. રાજ્ય સરકારે પણ નમો શક્તિ એક્સપ્રેસ-વે અને ૧૧૫૫ કિલોમીટરના ૧૨ જેટલા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે ₹૧૦,૦૦૦ કરોડની ફાળવણી કરી છે તેની ભુમિકા તેમણે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નાગરિકોને અપીલ કરી હતી કે, જ્યારે આટલો મોટો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો હોય ત્યારે આપણે સૌએ સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવો જોઈએ અને સ્વચ્છતા લોકોનો સહજ સ્વભાવ બનવો જોઈએ.
આ પ્રસંગે વિરમગામના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી દ્રારા આજે અનેક વિકાસ કાર્યોના ખાતમુર્હુત થયા છે, જેનો લાભ સ્થાનિક વિસ્તાર સહિત શંખેશ્વર, બેચરાજીના શ્રદ્ધાળુઓને ફાયદો થવાનો છે,તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ₹૨૫૦૦ કરોડથી વધુ વિકાસના કામો મળ્યા છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકાસથી કોઇ વંચિત ન રહી જાય તેની ચિંતા સરકાર દ્વારા કરાઈ છે,તેમ જણાવીને ધારાસભ્યશ્રીએ વિસ્તારના સમગ્રતયા વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુપોષિત ગુજરાત અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે આંગણવાડી કાર્યકરોને મિલેટ બાસ્કેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેરશ્રીએ સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન થયેલા વિરમગામ વિધાનસભા વિસ્તારના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્તમાં વિરમગામ નગરપાલિકાથી માંડલ-દસાડા રોડનું ₹૨૮૫ કરોડનું કામ, વિરમગામ શહેરના રૈયાપુર ઓવરબ્રિજનું ₹૯૧ કરોડનું કામ, માંડલ તાલુકાના વિઠ્ઠલાપુરથી દેત્રોજ-કડી રોડના રિસર્ફેસિંગનું ₹૫૫ કરોડનું કામ, વિરમગામ તાલુકાના થોરી મુબારકથી લીયા-વાંસવા રોડનું ₹૩૯ કરોડનું કામ,
કરકથલ-હાંસલપુર રોડનું ₹૧૨ કરોડનું કામ, દેત્રોજ નવા સર્કિટ હાઉસનું ₹૫ કરોડનું કામ, વિરમગામ નવા સર્કિટ હાઉસનું ₹૫ કરોડનું કામ, દેત્રોજ સબ રજિસ્ટ્રાર કચેરીનું ₹૨.૪૫ કરોડનું કામ તેમજ વિરમગામ તાલુકાના સચાણા બાયપાસ રોડના ₹૩ કરોડના કામો સહિત વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા,જિલ્લા કલેક્ટર શ્રી સુજિત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ,અગ્રણી શ્રી શૈલેષભાઈ દાવડા, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર અને સ્પેશિયલ સેક્રેટરી શ્રી જે. એ. ગાંધી, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, વિરમગામ નગરપાલિકા પ્રમુખશ્રી, પાલિકાના અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
