વાઘના અસ્તિત્વ પર સંકટ વર્ષ ૨૦૨૫માં ૧૬૬નાં મોત
નવી દિલ્હી, વિશ્વમાં વાઘની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત માટે વર્ષ ૨૦૨૫ ચિંતાજનક રહ્યું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ના તાજેતરના આંકડા અનુસાર, ગત વર્ષે દેશમાં કુલ ૧૬૬ વાઘનાં મોત થયા છે, જે વર્ષ ૨૦૨૪ (૧૨૬ મોત)ની સરખામણીએ ૪૦ વધુ છે.
‘ટાઈગર સ્ટેટ’ તરીકે જાણીતા મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૫૫ વાઘનાં મોત નોંધાયા છે.કુલ ૧૬૬ મૃત વાઘોમાં ૩૧ બચ્ચા હતા, જે ચિંતાનો વિષય છે. વર્ષની શરૂઆત ૨ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં એક નર વાઘના મોતથી થઈ હતી, જ્યારે વર્ષનો છેલ્લો કિસ્સો ૨૮ ડિસેમ્બરે મધ્યપ્રદેશના ઉત્તર સાગરમાં નોંધાયો હતો.
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાઘની વસ્તીમાં ઝડપી વધારો થવાને કારણે હવે જંગલોમાં તેમની વચ્ચે ‘ટેરિટોરિયલ ઇનફાઇટિંગ’ (વિસ્તાર કબજે કરવાની લડાઈ) વધી છે. નિષ્ણાત જયરામ શુક્લાએ જણાવ્યું હતું કે, “વાઘની સંખ્યા સંતૃપ્ત બિંદુએ પહોંચી ગઈ છે.
મધ્યપ્રદેશમાં ૨૦૧૪થી અત્યાર સુધીમાં વાઘની વસ્તીમાં ૬૦%નો જંગી વધારો થયો છે, પરંતુ તેમની સામે તેટલી જગ્યા ઉપલબ્ધ નથી.” મધ્યપ્રદેશના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (વન્યજીવ) શુભરંજન સેને જણાવ્યું કે, મોટાભાગના મોત કુદરતી છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં શિકાર અને વીજ કરંટ પણ જવાબદાર છે.
૩૮ વાઘના મોત કુદરતી કારણોસર થયા છે. શિકારમાં ૧૦ વાઘનાં મોત થયા છે. જેમાંથી ૭ કિસ્સા ‘નોન-ટાર્ગેટેડ’ હતા, જેમાં શિકારીઓ અન્ય પ્રાણીઓ (જેમ કે જંગલી ભૂંડ) માટે ગોઠવેલી જાળમાં વાઘ ફસાઈ ગયા હતા. શિકારના કેસોમાં ૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભારતમાં વાઘની વસ્તી ૨૦૧૮માં ૨,૯૬૭ હતી જે ૨૦૨૨માં વધીને ૩,૬૮૨ થઈ ગઈ છે. ભારત વિશ્વના ૭૫% વાઘનું ઘર છે.SS1MS
