સુરતમાં તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની સખત કેદની સજા
સુરત, સુરત શહેરમાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષિય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી તેને ગોવા તેમજ બિહાર લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોક્સોની સ્પેશ્યલ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.
આ કેસની વિગત અનુસાર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૪ વર્ષીય પુત્રી ૯-૧૧-૨૦૨૪નાં રોજ સાંજના સમયે માતા શાકભાજી લેવા ગયા બાદ લાપતા થઈ હતી. પરત ઘરે આવતા પુત્રી હાજર ન હતી ટેરેસ પર પણ તેણી મળી આવી ન હતી. પરિવારજનો દ્વારા શોધખોળ કરાઈ હતી.
જોકે, ભાળ નહીં મળતા આ અંગે સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી સાગર બીદ મુશીલાલ બીદ (નિશાદ) (રહે. મર્જુનપુર ગામ, થાના દેહાત, કોટવાલી, બદૌલી, જી. મિર્ઝાપુર, યુપી) લગ્નની લાલચે અપહરણ કરીને ગોવા અને બિહારના લખીસરાય ખાતે લઇ ગયો હતો.જ્યાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.
આ કેસ સુરતના પોક્સો અને નવમાં અધિક સત્ર ન્યાયાધીશ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના ભાવેશ કે. અવાશીયાની કોર્ટમાં ચાલ્યો હતો. ઉપરના પુરાવાને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે દુષ્કર્મના આરોપી સાગર બીદને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યાે હતો. આ કેસમાં સરકારી વકીલ ડી.વી. દવેએ આરોપીને સખત સજા કરવા દલીલો કરી હતી.SS1MS
