નિકોલની યુવતીને લગ્નની લાલચ આપી પરિણીત યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું
અમદાવાદ, નિકોલ વિસ્તારમાં માતા અને ભાઈ સાથે રહેતી યુવતી ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે અને તે મિત્ર મારફતે એક પરિણીત યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે લગ્ન કરવાની લાલચ આપી યુવતીને અનેક વખત આબુ, ઉદેપુર, મહારાષ્ટ્ર અને ગોવાના મોંઘાદાટ રિસોર્ટ તથા હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આ ઉપરાંત આરોપીએ હોટલમાં યુવતીને “હું તારી સાથે લગ્ન કરીશ” કહી મંગળસૂત્ર પહેરાવી લગ્નનો ઢોંગ રચી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.મૂળ અમરેલીની અને હાલ નિકોલમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી ખાનગી કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરે છે.
ગત જાન્યુઆરી ૨૦૨૪માં તે નિકોલ ખાતે થિયેટરમાં મૂવી જોવા ગઈ હતી. ત્યાં તેની મુલાકાત એક અન્ય યુવતી સાથે થઈ હતી અને બાદમાં બંને મિત્ર બની હતી. ત્યારબાદ આ મહિલા મિત્રે યુવતીને કહ્યું હતું કે આપણા સમાજનો એક સારો છોકરો છે, તારે તેની સાથે મિત્રતા કરવી જોઈએ.
યુવતીએ સંમતિ આપતા બાવળાના દીપક સાવલિયા સાથે તેની મુલાકાત કરાવવામાં આવી હતી.બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ ત્યારે યુવતી સગીર વયની હતી.
બાદમાં યુવતી અને દીપક વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ગત માર્ચ ૨૦૨૪માં આરોપી દીપક કાર લઈને યુવતી તથા તેના ભાઈને આબુ અને ઉદેપુરના રિસોર્ટમાં ફરવા લઈ ગયો હતો, જ્યાં તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ દીપકે યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ મંગળસૂત્ર પહેરાવી લગ્નનો ઢોંગ રચી દુષ્કર્મ આચર્યું હતું.આ ઉપરાંત દીપક યુવતીને મહારાષ્ટ્ર લઈ ગયો હતો, જ્યાં પણ તેની સાથે દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
એટલું જ નહીં, કાર ખરીદવાની જરૂરિયાત હોવાનું કહી આરોપીએ યુવતી પાસેથી રૂપિયા ૪.૫૦ લાખ લીધા હતા. બાદમાં તે યુવતીને ગોવા અને કન્યાકુમારી ફરવા લઈ ગયો હતો, જ્યાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. ગોવામાં હતા ત્યારે દીપકના ફોન પર એક યુવતીનો કોલ આવતાં યુવતીએ પૂછપરછ કરી હતી. તે સમયે દીપકે “મારી પત્નીનો ફોન છે” કહી યુવતી સાથે ઝઘડો કર્યાે હતો અને માર માર્યાે હતો.
ત્યારબાદ તેણે પત્નીને છૂટાછેડા આપી યુવતી સાથે રહેવાની વાત કરી હતી તથા છૂટાછેડાનો કરાર પણ મોકલ્યો હતો. બંને મૈત્રી કરાર પર રહેતા હતા.પરંતુ કોર્ટ મેરેજના દસ્તાવેજોને લઈને દીપકે યુવતીને માર માર્યાે હતો અને “હું તારી સાથે લગ્ન કરવાનો નથી” કહી ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આથી કંટાળીને યુવતીએ દીપક સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે યુવતીએ અગાઉ પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં દીપક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.SS1MS
