Western Times News

Gujarati News

૨૦૨૭ના વર્લ્ડ કપ બાદ વન-ડે ક્રિકેટનું ભાવિ અંધકારમયઃ અશ્વિન

ચેન્નાઈ, ભારતના ભૂતપૂર્વ આૅફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે ૨૦૨૭ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ બાદ જ્યારે તેના બે મહાન ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્ત થશે ત્યારે ૫૦ ઓવરના આ ફોર્મેટના અસ્તિત્વ અને સુસંગતતા માટે સંઘર્ષ કરવો પડશે.

અશ્વિનનું કહેવું છે કે મને લાગે છે કે વન-ડે ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય બની રહેવાનું છે.વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં રમાઈ રહેલી વિજય હઝારે ડોમેસ્ટિક વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે તો પણ ટુર્નામેન્ટનું આકર્ષણ વધી ગયું છે.

તેમાં ય રોહિત શર્મા મુંબઈ માટે રમવાનો હતો ત્યારે જયપુર ખાતે તે મેચ નિહાળવા માટે ૨૦ હજારથી વધુ પ્રેક્ષકો ઉમટી પડ્યા હતા. અગાઉ ક્યારેય વિજય હઝારે ટ્રોફીમાં આમ બન્યું ન હતું. રવિચંદ્રન અશ્વિને જણાવ્યું હતું કે જે રીતે ટી૨૦ લીગ ક્રિકેટનો વ્યાપ વધી રહ્યો છે અને ટેસ્ટ ક્રિકેટનું પણ મહત્વ વધી રહ્યું છે કેમ કે તેને પણ એટલું જ પ્રમોટ કરવામાં આવે છે.

આ સંજોગમાં ૫૦ ઓવરના ક્રિકેટમાં ધીમે ધીમે મંદી આવી રહી છે.તેણે સોશિયલ મીડિયા પર પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પર કહ્યું હતું કે ૨૦૨૭ના વર્લ્ડ કપ બાદ વન-ડેના ભવિષ્ય વિશે મને કોઈ ખાતરી નથી. અલબત્ત હું વિજય હઝારે ટ્રોફીને ફોલો કરી રહ્યો છું પરંતુ જે રીતે આ અગાઉ હું મુસ્તાક અલી ટ્રોફી (ટી૨૦)ને ફોલો કરતો હતો તેટલા રોમાંચથી હું વન-ડે ફોર્મેટની ટુર્નામેન્ટમાં રસ દાખવી શકતો નથી. આમ કરવામાં મને ખુદને થોડી તકલીફ પડી રહી છે.

અશ્વિને ઉમેર્યું હતું કે આમ છતાં પ્રેક્ષકો શું ઇચ્છે છે તે આપણે જોવાની જરૂર છે પરંતુ મારા મતે ટેસ્ટ ક્રિકેટર માટે હજી પણ જગ્યા છે પરંતુ ટી૨૦ બાદ વન-ડે ક્રિકેટને પ્રેક્ષકો તરફથી પ્રાથમિકતા સાંપડી રહી નથી તે પણ કબૂલવું રહ્યું અને મને એમ લાગી રહ્યું છે. રમતના તમામ ફોર્મેટમાં મળીને ૭૬૫ વિકેટ સાથે ભારતના બીજા સૌથી સફળ બોલર અશ્વિને જણાવ્યું હતું કે ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માની વિદાય બાદ લિમિટેડ ઓવરના આ ક્રિકેટ અંગે કાંઈ કહેવું જોખમ ભરેલું છે.

કોહલી અને રોહિતે મળીને વન-ડે ફોર્મેટમાં ૮૬ સદી ફટકારેલી છે. કમસે કમ નજીકના ભવિષ્યમાં ભારતને આટલા સારા બેટર મળવાની શક્યતા ઘણી ઓછી છે. ભારતના મહાન ઓફ સ્પિનર અશ્વિનના અવલોકન મુજબ રોહિત અને વિરાટ વિજય હઝારે ટ્રોફીમાં પરત ફર્યા અને લોકોએ મેચો નિહાળવાનું શરૂ કર્યું. આપણે જાણીએ છીએ કે રમત હંમેશા ખેલાડી કરતાં મોટી હોય છે પરંતુ ક્યારેક આ ખેલાડીઓ (રોહિત-કોહલી) ને રમતને સુસંગત બનાવવા માટે પાછા આવવાની જરૂર પડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.