Western Times News

Gujarati News

તેલ, મીઠું અને ખાંડ વગરનું અથાણું બનાવી મહિલાએ સ્વરોજગારી મેળવી

અમરેલી જિલ્લાના જંગરની મહિલાએ માસિક રૂ.૧પ હજારની આવક મેળવી

અમરેલી, અમરેલી જિલ્લાના જંગર તાલુકાની એક મહિલાએ તેલ, મીઠું અને ખાંડ વગરના આરોગ્યપ્રદ અથાણાં બનાવી આગવી ઓળખ ઉભી કરી છે.
આ મહિલા સેજલબેન વિથલભાઈ ભાયાણી જણાવે છે કે તેઓએ ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગાર તરફ આગળ વધવાનો વિચાર આવ્યો હતો. અથાણાં બનાવવા માટેની તેમણે સતત ૬ મહિના સુધી તાલીમ મેળવી હતી. શરૂઆતમાં શીખવાની પ્રક્રિયા ઘણી જ મુશ્કેલ લાગી હતી, પરંતુ આત્મવિશ્વાસ અને ધીરજ સાથે તેમણે આગળ વધવાનું નકકી કર્યું હતું.

નોકરી કરવા કરતા પોતાનો જ કોઈ વ્યવસાય કરવાનું મન હતું તે આ સ્ટાર્ટઅપ ચાલુ કરી ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે અથાણાંનું વેચાણ કરે છે. મહિને અંદાજે રૂ.૧૦,૦૦૦ થી રૂ.૧પ,૦૦૦ સુધીની આવક શરૂ થઈ ગઈ છે.

તેમના સ્ટાર્ટઅપની સૌથી મોટી ખાસિય એ છે કે તેઓ ખજૂરનું અથાણું, તેલ, મીઠું અને ખાંડ વગર બનાવે છે. આ અથાણું લગભગ ર વર્ષ સુધી ખરાબ થતું નથી અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. અથાણામાં આયર્ન અને વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેના કારણે આ અથાણું સ્વાદમાં શ્રેષ્ઠ અને આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે.

ખજૂરનું અથાણું બનાવવાની પ્રક્રિયા પણ સંપૂર્ણ સ્વચ્છતા અને કાળજી સાથે કરવામાં આવે છે. તેમના અથાણાની વિદેશમાં પણ સારી માંગ છે. પરંતુ હાલ અપૂરતા સાધનો અને કેટલીક વ્યવસ્થાના અભાવે તેઓ વિદેશી બજારમાં પ્રવેશ કરી શકયા નથી. તેમ છતાં ભવિષ્યમાં આ દિશામાં આગળ વધવાનો તેમનો સંકલ્પ મજબુત છે. નવી વિચારધારા અને મહેનતથી મહિલાઓ પણ પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે છે. તેમની આ સફર અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.