ભાવનગરના રેલવે સ્ટેશન અધિક્ષકને બે રાષ્ટ્રીય પુરસ્કાર
ભાવનગર, ભાવનગર ડિવિઝનમાં સ્ટેશન અધિક્ષક (ભાવનગર ટર્મિનસ) તરીકે કાર્યરત દીપક કુમાર ગુપ્તાને ઉત્તમ સેવા, કર્તવ્યનિષ્ઠા અને વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા બદલ દેશના બે અતિ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને જનસેવાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને રાષ્ટ્રપતિ પદક (વિશિષ્ટ સેવા) તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા પદક (તપાસમાં ઉત્કૃષ્ટતા) એનાયત કરવામાં આવ્યા છે.
મંડળ વાણિજય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ પુરસ્કારો નવી દિલ્હીમાં અલંકાર સમારંભ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ગૃહ રાજય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તથા વિવિધ કેન્દ્રીય સુરક્ષા અને તપાસ એજન્સીઓના પ્રતિનિધિઓની ઉપસ્થીતિમાં પ્રદાન કરવામાં આવ્યા હતા. મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ ગુપ્તાને અભિનંદન પાઠવ્યા અને તેમના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી.
રાષ્ટ્રીય તપાસ એજન્સીમાં પોતાના કાર્યકાળ દરમિયાન દીપક કુમાર ગુપ્તાએ અનેક સંવેદનશીલ તથા રાષ્ટ્રીય મહત્વના ઉચ્ચ- પ્રોફાઈલ કેસની તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમાં પુલવામાં આતંકી હુમલો, જમ્મુ-કાશ્મીરમાં આતંકી ફંડિગ સંબંધિત કેસ, ક્રોસ-બોર્ડર એલઓસી ટ્રેડ, ક્રિપ્ટોકરન્સી દ્વારા આતંકી નાણાકીય સહાય, આઈએસઆઈએસ સાથે જોડાયેલા વિવિધ મોડયુલ, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા કેસ, એક ઉચ્ચ- પ્રોફાઈલ હત્યા કેસ તેમજ મુંબઈ બ્લાસ્ટ કેસનો સમાવેશ થાય છે. આ તમામ કેસમાં તેમના અસાધારણ યોગદાન અને કર્તવ્યનિષ્ઠા બદલ તેમને રાષ્ટ્રપતિ પદક (વિશિષ્ટ સેવા)થી સન્માનિત કરવામાં આવ્યા છે.
એનઆઈએના એક મુખ્ય કેસમાં દેશભરના ઉચ્ચ શિક્ષિત યુવાનો દ્વારા એક જ દિવસે અનેક શ્રેણીબદ્ધ વિસ્ફોટની સાજિશ રચાઈ હતી, જેમાં આતંકી ફંડિંગ અનેક દેશમાંથી ક્રિપ્ટોકરન્સી દ્વારા કરવામાં આવી રહી હતી આ કેસમાં છ આતંકવાદીની ધરપકડ, તમામ આરોપીઓ સામે આરોપપત્ર દાખલ કરાવવું અને પાંચ આરોપીઓને ન્યાયાલય દ્વારા દોષિત ઠેરવવામાં ગુપ્તાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી હતી.
