વટવાના વાનરવટ તળાવમાં ટૂંકમાં મેગા ડિમોલેશન: ૪૦૦ કરતા વધુ દબાણો દૂર કરાશે
AI Image
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી તળાવોમાં થયેલ દબાણ દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ચંડોળા તળાવમાં મેગા ડીમોલેશન કર્યા બાદ ઈસનપુર તળાવમાંથી પણ દબાણો દુર કરવામાં આવ્યા છે.
હવે ટૂંક સમયમાં વટવાના વાનરવટ તળાવમાં પણ વહેલી સવારથી જ ડીમોલેશન કરવામાં આવશે જેમાં ૪૦૦ કરતા પણ વધુ મિલકતો તોડી પાડવામાં આવશે. જયારે પાંચ ધાર્મિક સ્થાન માટે પછીથી નિર્ણય કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તળાવમાંથી મોટાપાયે દબાણો દુર કરવામાં આવી રહયા છે. ચંડોળા તળાવના સફળ ઓપરેશન બાદ ઈસનપુર તળાવમાંથી પણ બે હજાર કરતા વધારે દબાણો દુર કરવામાં આવ્યા હતાં. તે જ પધ્ધતિથી વટવાના પી.ડી.પંડ્યા કોલેજ રોડ પર આવેલા વાનરવટ તળાવમાં પણ મેગા ડીમોલેશન કરવામાં આવશે.
તળાવમાંથી ૪૦૦ જેટલા કાચા-પાકા મકાનો અને ર૦ કોમર્શિયલ મિલકતો દુર કરવામાં આવશે. તળાવમાં ૪ મંદિર અને એક દરગાહ હોવાનું પણ કહેવાય છે. જેના માટે તંત્ર દ્વારા હજી સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. તળાવનું ક્ષેત્રફળ અંદાજે ર૮ હજાર ચો.મી. છે. તળાવમાં વસવાટ કરતા કેટલાક લોકોએ કોર્ટમાંથી મનાઈ હુકમ માટે પણ પ્રયાસ કર્યાં હતા પરંતુ તેમાં તેઓ સફળ થયા ન હતા. શુક્રવાર સાંજે પોલીસ વિભાગ દ્વારા અહીં પરેડ કરવામાં આવી હતી.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વટવાના વાનરવટ તળાવની સાથે સાથે મહાલક્ષ્મી તળાવમાં પણ કાર્યવાહી કરવાની હતી પરંતુ પોલીસ બંદોબસ્તના અભાવે માત્ર એક જ તળાવમાં કાર્યવાહી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ર૦૧૮માં પણ વાનરવટ તળાવમાં ડીમોલેશન કામગીરી માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો
પરંતુ કોવિડના કારણે તે સમયે ડીમોલેશન કામગીરી થઈ ન હતી. વાનરવટ તળાવમાંથી દબાણો દુર કર્યાં બાદ ૪ દિશાના ટીપી રોડ ખુલ્લા થશે જેમાં બે ૧૮ મીટર અને બે ર૪ મીટરના રોડ છે.
