3.5 કરોડના ઉચાપત કેસમાં નોકરી પર પરત લેવાની બેન્ક કર્મીની માંગણી નામંજૂર
પ્રતિકાત્મક
જામનગર, જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક લિ.ની જામજોધપુર શાખામાં નીરજ મગનલાલ પટેલ કેશિયર તરીકે ફરજો બજાવી રહ્યા હતા અને તેની ફરજના સમફગાળા દરમિયાન તેઓ દ્વારા
તેના આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી બેન્કના થાપણદારોને બાંધી મુદ્દતની બોગસ અને બનાવટી થાપણો ઈસ્યુ કરી તે નાણાં બેન્કમાં જમા નહીં કરાવી તથા એક ખાતામાંથી બીજા ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરી અંદાજિત રકમ રૂ.૩,પ૦,૦૦,૦૦૦/- કરોડની ઉચાપત કરી હતી
જે અંગે બેંક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તથા રકમ વસૂલાત માટે દાવા પણ કરવામાં આવ્યા હતા.
આ કર્મચારીએ આચરેલી ગેરરીતિ અંગે બેન્ક દ્વારા નિયમોનુસાર કર્મચારીને ચાર્જશીટ આપી હતી અને ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે તેઓ કસૂરવાર સાબિત થતાં તેઓને જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની ફરજોમાંથી છૂટા કરવામાં આવ્યા હતા.
છૂટા કરવાના આ હુકમને બેન્ક કર્મચારી નીરજ પટેલ દ્વારા મજૂર અદાલત સમક્ષ ધી ગુજરાત ઔદ્યોગિક સંબંધક અધિનિયમ ૧૯૪૬ની જોગવાઈ હેઠળ પડકારવામાં આવ્યો હતો.
જે કેસ ચાલી જતાં બેન્ક દ્વારા કરવામાં આવેલી ખાતાકીય તપાસ કાયદેસરની છે અને આ કર્મચારી દ્વારા કરવામાં આવેલા ઉચાપત જેવા ગુનામાં છૂટ્ટા કર્યા સિવાય અન્ય ઓછી સજા થઈ ન શકે તેવી બેન્ક તરફથી રજૂઆત અને તેમના સમર્થનમાં રજૂ કરવામાં આવેલા ચુકાદાઓને ધ્યાને લઈ બેન્ક કર્મચારી નીરજ પટેલ દ્વારા જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ. વિરૂદ્ધ કરવામાં આવેલા નોકરીમાં પુનઃ સ્થાપિત કરવા અંગેનો કેસ રદ કરવામાં આવ્યો છે.
