ભરૂચ નજીક NH64 ઉપરની તૂટેલી ગટરો નાગરિકો માટે જોખમરૂપ
નાગરિકોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર આવેલી તૂટેલી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની હોવાનું જાણવા મળ્યું છે.તૂટેલી ગટરો ઉપર અનેક ભારદારી વાહનો તેમજ રાહદારીઓ પટકાયા હોવાના બનાવો બનતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત નેશનલ હાઈવે ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી પણ આસપાસના દુકાનદારો તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નેશનલ હાઈવે ઉપર આવેલી ગટરો ઉપરના ઢાંકણા તૂટી ગયા હોય ક્યારેક વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે ભવિષ્યમાં મોટી હોનારત સર્જે તેમ છે.જેથી તંત્ર દ્વારા વહેલી તકે તૂટેલી ગટરોની સમારકામ કરવામાં આવે તેવી લોકોમાંગ ઉઠવા પામી છે.
નેશનલ હાઈવે પાસે આવેલી તૂટેલી ગટરો અને ખાડાઓને કારણે અનેક નિર્દોષ નાગરિકો, વાહનચાલકો અને રાહદારીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા.છતાં નેશનલ હાઈવે ઓથોરિટી જાણે કુંભ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
નાગરિકોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. નેશનલ હાઈવે પાસે જ્યાં તૂટેલી ગટરો અને ભૂવાઓ પડ્યા છે ત્યાં શાળાઓ,દવાખાના, હોટેલો અને દુકાનો આવેલી છે.ચાર રસ્તા ઉપરથી દરરોજ હજારો મુસાફરો અવર જવર કરે છે.
