વલસાડની વોલપ્લાસ્ટ કંપનીમાં વર્કરોની છટણી કરતા ભારે રોષઃ આંદોલનની ચીમકી
(પ્રતિનિધિ) નાનાપોંઢા, વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામે આવેલ વોલપ્લાસ્ટ કંપનીમાં કામ કરતા કામદારોને અચાનક નોકરી પરથી છુટા કરી દેવાતા કંપનીના આ તઘલખી નિર્ણય સામે કામદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કહેવાય છે કે કંપની દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી સૂચના કે લેખિત નોટિસ આપ્યા વગર જ કંપની દ્વારા કામદારોને નોકરીમાંથી છુટા કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. સેકડો પરિવારો કંપનીના આ નિર્ણય થી પ્રભાવિત બન્યા છે.આ નિર્ણયથી આક્રોશિત બનેલા વર્કરોએ કંપની સામે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે.
વોલપ્લાસ્ટ કંપનીમાં અનેક વર્કરો છેલ્લા ૧૫થી ૧૭ વર્ષથી વધુ સમયથી સતત અને નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા હતા. કેટલાક વર્કરો પોતાની યુવાનીથી જ આ કંપની સાથે જોડાયેલા હોવાથી તેમનું સમગ્ર પરિવાર જીવન આ નોકરી પર આધારિત હતું. અચાનક કોઈ કારણ આપ્યા વગર કામ પરથી દૂર કરવામાં આવતા તેમને ભારે આર્થિક અને માનસિક રીતે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.
આ મામલે વર્કરોનો આક્ષેપ છે કે કંપની દ્વારા શ્રમ કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વર્કરોના જણાવ્યા મુજબ તેમને ન તો કોઈ લેખિત નોટિસ આપવામાં આવી, ન તો કોઈ ચર્ચા કે સમજૂતી કરવામાં આવી. સીધા જ કામ પર આવવાથી રોકી દેવામાં આવ્યા, જેના કારણે અનેક પરિવારો એકાએક બેરોજગાર બન્યા છે. ઘરખર્ચ, બાળકોની ભણતર ફી અને રોજિંદા જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે.
ખાસ કરીને લાંબા સમયથી કામ કરતા વર્કરો માટે નવી નોકરી મેળવવી હવે મોટો પડકાર બની રહ્યો છે. હડતાળ પર બેઠેલા વર્કરોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે અને કોઈ હિંસાનો માર્ગ અપનાવવા માંગતા નથી. જોકે કંપની મેનેજમેન્ટ તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ કે આશ્વાસન ન મળતા વર્કરોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે.
આ મામલે સ્થાનિક લોકો તથા શ્રમિક સંગઠનો પણ વર્કરોના સમર્થનમાં આગળ આવ્યા છે અને શ્રમ વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપની એક્ટ મુજબ કામદારોના હિતના નિયમોનું અહી ઉલ્લઘન થઈ રહ્યાને લઇને પણ કામદારો આગામી દિવસોમાં જો ન્યાય ન મળે તો કોર્ટના શરણમાં જવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
