Western Times News

Gujarati News

બગદાણા આશ્રમના સેવક ઉપર હુમલો કરનારા આઠ શખ્સો ઝડપાયા

File Photo

પીઆઈની બદલી કરી લીવ રિઝર્વમાં મૂકી દેવાયાઃ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપાઈ તપાસ

માયાભાઈ આહીરનાના પુત્ર જયરાજ સાથે વાતચીત બાદ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જેને લઈને કોળી સમાજ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ભાવનગર, ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવક ઉપર થયેલા હુમલાના બનાવ અંગે પોલીસે આઠ શખ્સને ઝડપી લીધા છે. બીજી તરફ બગદાણાના પીઆઈની બદલી કરવામાં આવી છે.

બગદાણા ગામે રહેતા નવનીતભાઈ બાલધિયાને બે દિવસ અગાઉ મોણપર ગામ નજીક બાઈક ઊભું રખાવી બે કારમાં આવેલા આઠ જેટલા અજાણ્યા શખ્સે ફિલ્મી સ્ટાઈલે મારમારી, ઈજા કરી ફરાર થયા હતા.

જે મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર નાજુ ધિંગુભાઈ કામળિયાની ધરપકડ કરી હતી. જ્યારે રાજુ દેવાયતભાઈ ભમ્મર, આતુ ઓઘડભાઈ ભમ્મર, વીરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીષ વિજયભઘાઈ વનાડિયા, ભાવેશ ભગવાનભાઈ શેલાણા, પંકજ માવજીભાઈ મેર અને વિરૂ મધુભાઈ સયડાના પણ નામ ખુલતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

જો કે, આ બનાવથી કોળી સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. આજે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પીડિત નવનીતભાઈની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન બગદાણા પોલીસ મથકના મહિલા પીઆઈ ડી.વી.ડાંગરની બદલી કરવામાં આવી છે અને તેને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. તેમજ આ બનાવની તપાસ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપવામાં આવી છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં એક વિવિધ ચાલી રહ્યો છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોક કલાકાર માયાભાઈ આહિરે મુંબઈના યોગેશ સાગરને બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા હતા. આ બાબતે નવનીત બાલધિયાનએ માયાભાઈને હાલ બગદાણા ગુરૂ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી પદ નથી, તમામ માત્ર ટ્રસ્ટીઓ જ છે કહી ધ્યાન દોર્યું હતું

જે અંગે માયાભાઈએ ખેલદિલી પૂર્વક વીડિયો જાહેર કરી પોતાની ભૂલ સ્વીકારી હતી. બીજી તરફ પીડિત નવનીતભાઈએ પોતાના પર થયેલા હુમલાને લઈને એક વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે, માયાભાઈના પુત્ર જયરાજ સાથે વાતચીત બાદ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જેને લઈને કોળી સમાજ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.