ઠંડીમાં શરીરમાં પાચન સુધારવા અને શરીરને ગરમાવો આપવા માટે ઉંબાડિયું ઉત્તમ
સુરતના સ્વાદપ્રિય લોકોમાં ઉંબાડિયાનું આકર્ષણ વધ્યું -હાઈવે પરના ઢાબાઓ, વાડીઓ અને રેસ્ટોરામાં ઉંબાડિયાનો આસ્વાદ માણતા સુરતીલાલાઓ
સુરત, ઠંડીની સિઝન શરૂ થતાં સુરતમાં આરોગ્યપ્રદ વાનગી તરીકે જાણીતા ઉંબાડિયાના સ્ટોલો શરૂ થયા છે. ખાવાના શોખીન સુરતીલાલાઓ અને બહારગામથી સુરતની મુલાકાતે આવતા લોકો ઉંબાડિયાનો આસ્વાદ માણતા હોય છે.
ઠંડીમાં શરીરમાં પાચન સુધારવા, પોષણ મેળવવા અને શરીરને ગરમાવો આપવા માટે ઉંબાડિયું આરોગવું એ ઉત્તમ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. ઘણા વખતથી સુરતી ઉંબાડિયું રેસ્ટોરાં, હાઈવે પરના ઢાબા, વાડીઓમાં ઉજાણીમાં મુખ્ય ડીશ બન્યું છે.
સુરતના કતારગામ વિસ્તારના ઉંબાડીયાની દુકાન ચલાવતા પ્રિતિબેન પટેલ કહે છે કે અમે છેલ્લા ૧ર વર્ષથી ઉંબાડિયું બનાવવાનું કામ કરીએ છીએ. છેલ્લા બે વર્ષથી સુરતમાં પણ ઉંબાડિયાનું વેચાણ કરીએ છીએ. ઠંડીની સિઝન શરૂ છે અને ઉંબાડિયું બનાવવામાં મુખ્યત્વે પાપડી, શક્કરીયા, રતાળુ, બટેટા, આદુ, લસણ, મકાઈ વપરાય છે. જેમાં અમે ધરમપુરની પાપડી અને લાલ બટેટા વાપરીએ છીએ
જેથી સ્વાદ સારો આવે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઉંબાડિયામાં વપરાતી તમામ શાકભાજીના ભાવમાં રૂ.૧૦૦ જેટલો વધારો નોંધાયો છે. અમારે ત્યાં ઉંબાડિયું રૂ.૪૦૦ના ભાવે પ્રતિ કિ.ગ્રા. મળી રહે છે. હજુ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી ઠંડી વધુ પડશે તેવી આશાએ વેપાર પણ સુધરશે તેવો આશાવાદ છે.
સુરતના પાલ ગામ રોડ નજીક ઉંબાડિયાના દુકાનદાર હેતલબેન મનીષભાઈ રોહિત કહે છે કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી ઉંબાડિયાના વેપાર સાથે સંકળાયેલા છીએ. શિયાળો શરૂ થતાં નવેમ્બર મહિનાથી જ ઉંબાડિયાનું વેચાણ શરૂ થઈ જાય છે.
ઉંબાડિયું બનાવવામાં તમામ પ્રકારના લીલા શાકભાજી જેવા કે લીલા મરચા, લીલા ધાણા, લીલી હળદરનો ઉપયોગ થાય છે. પાપડી, શક્કરીયા, બટેટા તથા યોગ્ય મસાલા વગેરેના મિશ્રણને માટલામાં ભરવામાં આવે છે. ઉંબાડિયાને પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે.
