પૈસાની લાલચે મિત્રોએ જ મિત્રનું અપહરણ કર્યું: ગણતરીની કલાકોમાં આરોપીઓ ઝડપાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દાહોદ શહેરમાં પૈસાની લાલચે મિત્રોએ જ મિત્ર સાથે અમાનવીય વર્તન કરી તેને ગોંધી રાખી માર મારી ખંડણી માંગ્યાનો ગંભીર બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેર સ્થિત બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બનેલા આ કિસ્સામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલ દાહોદ ખાતે સુથારી કામ માટે આવેલ શ્યામલાલ રાવ નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી દાહોદમાં રહેતો હતો. આ દરમિયાન તેની મિત્રતા દાહોદમાં રહેતા કૃણાલ રવિ સાંસી, શંકર સાંસી અને તોસિફ અન્સારી સાથે થઈ હતી. ચારેય યુવકો વચ્ચે મિત્રતા વધતી જતા તેઓ અવારનવાર સાથે ફરવા જતા હતા.
તા. ૧ના રોજ ચારેય મિત્રો સાથે મળ્યા હતા અને દાહોદ શહેર નજીક આવેલા છાપરી ગામ તરફ ગયા હતા. ત્યાં ચા-નાસ્તો કર્યા બાદ ત્રણેય આરોપીઓ રાજસ્થાની યુવકને છાપરી ગામમાં રહેતા કૃણાલ રવિ સાંસીના ઘરે લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ અચાનક જ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ત્રણેય આરોપીઓએ શ્યામલાલ રાવને ગોંધી રાખી પટ્ટા વડે બેફામ માર મારવાની શરૂઆત કરી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ રાજસ્થાની યુવકના મોબાઈલ ફોનથી તેના રાજસ્થાન સ્થિત પરિજનોને વિડિઓ કોલ કર્યો હતો. વિડિઓ કોલ દરમિયાન યુવકને માર મારતા દ્રશ્યો પરિજનોને બતાવી ૫૦ હજાર રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. તાત્કાલિક પૈસા મોકલવા નહીં તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
પરંતુ શ્યામલાલ રાવે પોતાની સમજદારી દાખવી હતી. માર સહન કરતા કરતા પણ તેણે સમય સૂચકતા વાપરી પોતાના મોબાઈલથી લાઈવ લોકેશન પરિજનોને મોકલી આપ્યું હતું. લોકેશન મળતા જ રાજસ્થાન સ્થિત પરિજનો દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીરતા જોતા બી ડિવિઝન પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસ ટીમે મળેલી માહિતીના આધારે છાપરી ગામમાં દરોડો પાડ્યો હતો અને ગણતરીના કલાકોમાં રાજસ્થાની યુવકને આરોપીઓના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો.
આ ઘટનામાં રાજસ્થાની યુવકને ઢોર માર મારવામાં આવતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બી ડિવિઝન પોલીસે કૃણાલ રવિ સાંસી, શંકર સાંસી અને તોસિફ અન્સારીને ઝડપી પાડી તેમના વિરુદ્ધ અપહરણ, મારામારી અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ મિત્રતા પર વિશ્વાસ રાખવો કેટલો જોખમી બની શકે તેવો કડવો સંદેશ આપ્યો છે.
